Site icon Revoi.in

ઉજ્જૈન: મહાકાળના મંદિર નીચે વધુ એક મંદિર મળ્યું, કેન્દ્રની ટીમે કર્યું નિરીક્ષણ

Social Share

ઉજ્જૈન: વર્ષો જૂના મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષ મળ્યા બાદ ખોદકામ બંધ કરી દેવાયું હતું. કેન્દ્રીય પર્યટનમંત્રી પ્રહલાદ પટેલની સૂચનાથી પુરાતત્વ વિભાગની ટીમ આજે ખોદકામ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. ટીમના સભ્યના અંદાજ અનુસાર આ મંદિર અંદાજે 1000 વર્ષ જૂનું હોઇ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય ટીમમાં ભોપાલના પુરાતત્વીય સર્વે બોર્ડના અધિકારીઓ હતા. જેમાં ભોપાલના અધિક્ષક પુરાતત્વવિદ ડૉ.પિયુષ ભટ્ટ અને ખજુરાહોના કે.કે.વર્મા સામેલ હતા. બંને અધિકારીઓએ ખોદકામ સ્થળની નજીકીથી નિરીક્ષણ કર્યું હતું. તે પછી વાસ્તવિક અહેવાલ તૈયાર કરવામાં આવશે. કોતરણી જોતા દસમી અને અગિયારમી સદીના મંદિર જેવું લાગે છે. હવે વધુ ખોદકામ કાળજીપૂર્વક કરવું પડશે. આ પછી નવા ઇતિહાસ વિશે જાણ થશે.

ખોદકામ પછી મળેલા આ પ્રાચીન મંદિરના અંત વિશે કોઈ માહિતી મળી નથી. અત્યારે ફક્ત અવશેષો જ દેખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં મંદિર ક્યાં સુધી છે તે કહેવું મુશ્કેલ બનશે. તેથી, નિષ્ણાતોની ટીમ દરેક વસ્તુ પર નજર રાખી રહી છે. તે પછી જ કોઈને આ વિસ્તારના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી મળશે. જો કે કેટલાક નિષ્ણાતોનો પણ મત છે કે અવશેષો પર કોતરણી પરમારકાલિન લાગે છે. તે 1000 વર્ષ જૂનું હોઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. ગુરુવારે મુખ્ય દરવાજા પાસે ખોદકામ શરૂ થયું. સતી માતા મંદિરની પાછળ પત્થરની શિલાઓ જોવા મળી હતી. આ પછી કામ અટકાવી દેવાયું હતું.

(સંકેત)