Site icon Revoi.in

દાણચોરી કેસ: CBIએ 4 લોકોની બંગાળમાંથી ધરપકડ કરી

Social Share

નવી દિલ્હી: કોલસાની દાણચોરી કેસમાં CBIએ ચાર લોકોની ધરપકડ કરી છે. કથિત કૌભાંડમાં સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી આ પહેલી ધરપકડ છે. CBIએ જયદેબ મંડલ, નારાયણ ખારકા, ગુરુપદ માજી અને નિદન બરન મંડલની ધરપકડ કરી હતી.

આ ચારેય આરોપીઓ કથિતપણે મુખ્ય આરોપી અનૂપ માંઝીની સૂચનાઓ પર કામ કરી રહ્યા હતા. અનૂપ માંઝીની અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી, જે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે. તેઓ પણ આ કેસમાં એજન્સીઓના રડાર હેઠળ છે.

EDએ ગત 1 સપ્ટેમ્બરના રોજ અભિષેક બેનર્જી સાથે સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. આ કેસમાં તેમની પત્ની રૂજીરા અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી હતી. આ વર્ષે સીબીઆઇએ પશ્વિમ બંગાળમાં 13 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું હતું કે, “આરોપ છે કે ધરપકડ કરાયેલા લોકો અન્ય આરોપીઓના સાથી છે અને તેઓએ લોકોને ખાણકામ, પરિવહન ગોઠવવા અને ચોરાયેલા કોલસા વેચવામાં મદદ કરવા માટે મદદ કરી હતી.”

નોંધનીય છે કે, CBIએ ગત વર્ષે નવેમ્બરમાં અનુપ માંઝી ઉર્ફે લાલા, ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ અને જયેશ ચંદ્ર રાય ઉપરાંત ઇસીએલના સુરક્ષા વડા તન્મય દાસ સામે FIR નોંધાવી હતી.