Site icon Revoi.in

વર્ષ 2020માં કૃષિ ક્ષેત્રની મજબૂત કામગીરીને લાગ્યું ખેડૂત આંદોલનનું ગ્રહણ

Social Share

નવી દિલ્હી: વર્ષ 2020ના વર્ષમાં દેશના કૃષિ ક્ષેત્રે મજબૂત કામગીરી થઇ હતી. જો કે આ મજબૂત કામગીરીને ખેડૂત આંદોલનનું ગ્રહણ લાગી ગયું છે. ગત વર્ષમાં દેશમાં અનાજ ઉત્પાદન વિક્રમી રહેવા ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે પણ કૃષિ ક્ષેત્રનો દેખાવ પોઝિટિવ રહ્યો હતો.

દેશના જીડીપીમાં 15  ટકા જેટલો હિસ્સો ધરાવતા અને દેશની વસતિના 50 ટકાથી વધુને રોજગાર પૂરા પાડતા કૃષિ ક્ષેત્ર 2020માં એક એવું ક્ષેત્ર બની રહ્યું હતું જેણે રોજગાર સાથે ખેડૂતોને નોંધપાત્ર આવક પૂરી પાડી છે. કોરોનાની અસરને કારણે પસાર થયેલા વર્ષમાં અનેક ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર પડી છે.

કૃષિ ક્ષેત્રની હકારાત્મક કામગીરીને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં દેશના એકંદર જીડીપીમાં ઘટાડો સીમિત જોવા મળશે. કૃષિ ક્ષેત્રની સારી કામગીરીએ ઓટો તથા એફએમસીજી ક્ષેત્રને ટેકો પૂરો પાડયો છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે પંજાબ તથા હરિયાણાના ખેડૂતો નવેમ્બરના અંતિમ સપ્તાહથી આંદોલન ચલાવી રહ્યા છે.

વિતેલા વર્ષમાં ખરીફ વાવેતર વિક્રમી રહ્યું હતું અને રવી વાવણી પણ વિક્રમી સ્તરે જોવા મળવા સંભવ છે. આ ઉપરાંત સારા ખરીફ પાકને કારણે ખેડૂતોની આવકમાં વધારો થતાં ઓટો ખાસ કરીને ટ્રેકટર્સના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવાયો છે.

2019-20ના ક્રોપ યર (જુલાઇથી જુન)માં દેશનું અનાજ ઉત્પાદન 29.66 કરોડ ટન જેટલું વિક્રમી રહ્યું હતું અને 2020-21ના ક્રોપ યરમાં પણ આ આંક 30 કરોડ ટન વિક્રમી રહેવાનો અંદાજ મૂકાઇ રહ્યો છે.

(સંકેત)