Site icon Revoi.in

છેલ્લા 1 વર્ષથી ચાલતા કિસાન આંદોલનની ટૂંકમાં થશે સમાપ્તિ, મોદી સરકાર માંગો પૂરી કરવા તૈયાર

Social Share

નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂતોના ધરણા સમાપ્ત થાય તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે મોદી સરકાર હવે ખેડૂતોની દરેક માંગોને પૂરી કરવા માટે તૈયાર થઇ ગઇ છે. આ માટે કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચાએ ગઠિત કરેલી સમિતિને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, પહેલાં આંદોલન વાપસીની જાહેરાત કરવામાં આવે અને તે પછી કેસ પરત લેવાશે, MSPને લઇને સમિતિની રચના કરાશે તેમજ તેને લઇને યોગ્ય વળતરની પણ ચૂકવણી કરવામાં આવશે.

સરકારના આ પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં બે કલાક સુધી ચર્ચા વિચારણા કરાઇ હતી. જો કે સૂત્રો અનુસાર કેન્દ્રના આ પ્રસ્તાવ પર કિસાન નેતાઓમાં પારસ્પરિક મતભેદ જોવા મળી રહ્યો છે. કેન્દ્રના લેખિત પ્રસ્તાવમાં વીજળી સંશોધન બિલ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાનો કોઇ ઉલ્લેખ નથી.

બેઠકમાં એક સકારાત્મક પાસુ એ જોવા મળ્યું છે કે, સરકારના આ પ્રસ્તાવો પર ખેડૂત સંગઠનોએ સંતોષ વ્યક્ત કર્યો છે. બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂત નેતા કુલવંત સંધુએ કહ્યું કે, બેઠકમાં ઘણી માંગો પર સહમતિ બની છે અને કાલે જાહેરાત થઇ જશે. જો કે આ કિસાન મોરચાનું સંયુક્ત નિવેદન નથી.

સરકાર તરફથી કિસાનોને જે જવાબી પત્ર મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે MSP પર પ્રધાનમંત્રીએ ખુદ અને બાદમાં કૃષિ મંત્રીએ એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે, જે કમિટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કિસાન સંગઠનોના પ્રતિનિધિ અને કૃષિ વૈજ્ઞાનિક સામેલ હશે. અમે તેમાં સ્પષ્ટ કરીએ છીએ કે કિસાન પ્રતિનિધિમાં SKM ના પ્રતિનિધિ પણ સામેલ થશે.

જ્યાં સુધી કિસાનોના આંદોલન સમયના કેસનો સવાલ છે તો યૂપી સરકાર અને હરિયાણા સરકારે તે માટે સંપૂર્ણ સહમતિ આપી છે કે આંદોલન પરત લીધા બાદ તત્કાલ કેસ પરત લેવામાં આવશે. તે ઉપરાંત કિસાન આંદોલન દરમિયાન ભારત સરકારના સંબંધિત વિભાગ અને કેન્દ્રશાસિત પ્રદેશના આંદોલનના કેસ પણ આંદોલન પરત લીધા બાદ પરત લેવાની સહમતિ સધાઇ છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વળતરનો સવાલ છે તે માટે પણ હરિયાણા અને યૂપી સરકારે સૈદ્ધાંતિક સહમતિ આપી છે.