Site icon Revoi.in

ખેડૂત નેતાઓની ચિમકી, માંગણી નહીં પૂર્ણ થાય તો રેલ્વે ટ્રેક અવરોધિત કરશે

Social Share

નવી દિલ્હી: કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ રેલ્વે ટ્રેકને અવરોધિત કરશે. જેને લઇને ટૂંક સમયમાં એક તારીખ પણ જાહેર કરવામાં આવશે. ખેડૂત સંઘોએ કહ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શનને તીવ્ર બનાવશે અને રાષ્ટ્રીય પાટનગર તરફ જતા તમામ રાજમાર્ગોને ચક્કાજામ કરવાનું શરૂ કરશે.

દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ બંધ કર્યા પછી, છેલ્લા 2 સપ્તાહથી ખેડૂતો સિંધૂ બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. બોર્ડર પર ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું હતું કે જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે રેલ્વે ટ્રેક અવરોધિત કરીશું. અમે આ અંગે વહેલી તકે તારીખ નક્કી કરીને જાહેરાત કરીશું.

ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું કે પંજાબમાં ટોલ પ્લાઝા, મોલ્સ, રિલાયન્સ પમ્પ, ભાજપના નેતાઓની કચેરીઓ અને ઘરો સામે હજી હડતાલ ચાલુ છે. આ ઉપરાંત 14 મીએ પંજાબની તમામ ડીસી કચેરીની બહાર ધરણાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે 10મી તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો પીએમ અમારી વાતો નહીં સાંભળે અને કાયદાને રદ નહીં કરે તો બધા ધરણાં રેલ્વે ટ્રેક ઉપર આવી જશે. આજની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ભારતભરમાંથી લોકો રેલ્વે ટ્રેક ઉપર જશે. સંયુક્ત કિસાન મંચ ટૂંક સમયમાં તેની તારીખ જાહેર કરશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય એક ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું, ‘કેન્દ્રએ સ્વીકાર્યું છે કે કાયદાઓ વેપારીઓ માટે બનાવવામાં આવ્યા છે. જો કૃષિ રાજ્યનો વિષય છે, તો કેન્દ્રને તેના પર કાયદા બનાવવાનો અધિકાર નથી.’ નવા કૃષિ કાયદા પાછા ખેંચવા અને પાક માટે લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા જાળવવાની માંગ સાથે હજારો ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદો પર વિરોધ કરી રહ્યા છે.

(સંકેત)