Site icon Revoi.in

હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે આ બે ભાઇઓએ 600 કરોડનું ફુલેકું ફેરવ્યું, બંને ભાઇઓ ફરાર

Social Share

નવી દિલ્હી: ભાજપના પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા રહી ચૂકેલા મરિયૂર રામદાસ ગણેશ અને તેમના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન મુશ્કેલીમાં મૂકાયા છે. આ બંને ભાઇઓ પર 600 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તામિલનાડુના કુંભકોણમ ખાતે ઠેર ઠેર બંને હેલિકોપ્ટર બ્રધર્સના પોસ્ટર્સ લાગ્યા છે. લોકોએ આ બંને ભાઇઓ વિરુદ્વ કાર્યવાહીના માગણી કરી છે.

આ બને ભાઇઓએ વિકટ્રી ફાઇનાન્સ નામનું એક નાણાકીય એકમ શરૂ કર્યુ હતું. તથા વર્ષ 2019માં અર્જુન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ નામની એક વિમાન કંપનીની નોંધણી કરાવી હતી. આ બંનેએ લોકો પાસે ડબલ પૈસા થશે તેમ કહીને રોકાણ પણ કરાવ્યું હતું.

જોકે બંને ભાઈઓએ પોતાનું વચન ઈમાનદારીપૂર્વક નિભાવ્યું હતું પરંતુ કોવિડ મહામારી સાથે સ્થિતિ બગડવા લાગી. જ્યારે યોજનામાં રોકાણ કરનારા લોકોએ પોતાના પૈસા માગ્યા તો તેમણે પૈસા પાછા ન આપ્યા. કંપનીમાં રોકાણ કરનારા દંપતી જફરૂલ્લાહ અને ફૈરાજ બાનોએ તંજાવુરના એસપી દેશમુખ શેખર સંજય પાસે ફરિયાદ નોંધાવી હતી.

દંપતીએ કરેલા દાવા પ્રમાણે તેમણે બંને ભાઈઓની માલિકીની કંપનીમાં 15 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. દંપતીને કદી પોતાના પૈસા પાછા ન મળ્યા અને કથિત રીતે ધમકી આપવામાં આવી. યોજના માટે 25 લાખ રૂપિયા આપનારા ગોવિંદરાજના કહેવા પ્રમાણે તેણે મિત્રો અને પરિવારજનો પાસેથી ઉધાર લઈને બંને ભાઈઓને પૈસા આપ્યા હતા.

2019માં પોતાના બાળકના પહેલા જન્મદિવસ વખતે મરિયૂર રામદાસ ગણેશે હેલિકોપ્ટર વડે ફૂલો વરસાવ્યા હતા. ત્યારથી તેઓ હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે ઓળખાય છે. હાલ પોલીસે તેમની કંપનીના મેનેજરની ધરપકડ કરી છે અને બંને ભાઈઓ ફરાર છે.