Site icon Revoi.in

OMG! અહીંયા ચાની 1 ચુસ્કી તમને રૂ.1000માં પડશે, ખિસ્સું હળવું કરવા રહેજો તૈયાર

Social Share

કોલકાતા: ભારતમાં જો કોઇ સૌથી મહત્વનું અને અત્યંત લોકપ્રિય પીણું હોય તો તે ચા છે. ભારતમાં લાખો અને કરોડો લોકોની સવાર ચાની એક ચુસ્કી સાથે થતી હોય છે અને કેટલાક લોકો તો ચાના એટલા રસિયા હોય છે કે જેઓને કલાકે કલાકે ચાની ચુસ્કી મારવાની આદત હોય છે. જો કે ચાની એક ચુસ્કી તમને રૂ.1000માં પડે એવું કહીએ તો તમને નવાઇ નહીં લાગે? ચોંકી ગયા ને? જો કે, મીડિયા અહેવાલોનું માનીએ તો કોલકાતાના મુકુંદપુરમાં એક એવી ચાની કિટલી છે જ્યાં કદાચ સૌથી મોંઘી ચા મળે છે. આ નાનકડી એવી દુકાનમાં 100 અલગ અલગ પ્રકારની ચાની વેરાયટી ઉપલબ્ધ છે. અહીંયા રૂ.12થી લઇને રૂ.1000 સુધીની એક કપ ચા મળે છે.

હવે દરેકને સવાલ એ થાય કે આ ચા મોંઘી હોવા પાછળનું કારણ શું હોઇ શકે. આ ચા મોંઘી હોવાનું કારણ છે ચા પત્તી. અહીં તમને રૂ.1000ના કપમાં વિશ્વની સૌથી મોંઘી Bo-Lay ચાનો સ્વાદ ચાખવા મળી શકે છે. આ ચા પત્તીનો એક કિલોગ્રામનો ભાવ માર્કેટમાં 3 લાખ રૂપિયા જેટલો મોંઘો છે.

આ દુકાનમાં ચાની આ વેરાયટી પણ મળે છે

આ દુકાનમાં આ ઉપરાંત લવંડર ટી, ઓકેટી ટી, વાઇન ટી, તુલસી જીંજર ટી, હિબિસ્કર ટી, તીસ્તા વેલી, મકઇબારી ટી, રુબિએસ ટી, સિલ્વર નીડલ વ્હાઇટ ટી અને ઑલ બ્લૂ ટિશ્યન ટી જેવી જુદી જુદી સ્વાદની અને ક્યારેય ના સાંભળી હોય તેવા પ્રકારની ચાનો સ્વાદ માણવા મળી શકે છે. પરંતુ હા તમારે આ જુદી જુદી ચા માટે ખિસ્સું પણ તેટલું જ હળવું કરવું પડી શકે એમ છે.

નોંધનીય છે કે, આ ચા સ્ટોલના માલિક પાર્થ ગાંગુલી છે જેઓ પહેલા એક સારી એવી નોકરી કરતા હતા જો કે વર્ષ 2014માં આવેલા એક ટ્વિસ્ટ બાદ તેઓએ નોકરી છોડી દીધી અને આ અનોખી ચાની દુકાન શરૂ કરી. વર્ષ 2014માં તેઓએ શરૂ કરેલી પોતાની નાની ચા દુકાન Nirjash હવે ખૂબ જ લોકપ્રિય થઇ ચૂકી છે.

Exit mobile version