Site icon Revoi.in

દેશભરમાં લાગૂ કરવામાં આવશે લોકડાઉન? જાણો કેન્દ્રએ શું આપ્યો જવાબ

Social Share

નવી દિલ્હી: દેશમાં દૈનિક ધોરણે આવી રહેલા 3 લાખથી વધુ કેસો અને હજારોની સંખ્યામાં થતા મોત વચ્ચે કોરોનાની ચેઇન તોડવા માટે શું કેન્દ્ર સરકાર ગત વર્ષની જેમ લોકડાઉન લગાવશે? આ સવાલનો જવાબ નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે પોલે આપ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકારોને પ્રતિબંધોને લઇને દિશાનિર્દેશ આપી દીધા છે. જો ભવિષ્યમાં કંઇ વધુ કરવાની જરૂર પડે છે તો તેને લઇને હંમેશા ચર્ચા કરવામાં આવે છે.

વી કે પોલે સંક્રમણની ચેન તોડવા અંગે કહ્યું કે, સંક્રમણ વધે છે ત્યારે તેને ડામવા માટે પ્રતિબંધો લગાવવામાં આવે છે. લોકોની અવરજવર રોકવામાં આવે છે. આ સંબંધમાં 29 એપ્રિલે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે અને જે વિસ્તારમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે, ત્યાં પણ સરકારોને રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્ય સરકારો નિર્ણય લેશે. આ સિવાય સામાજીક, રાજકીય, ખેલ, ધાર્મિક મેળાવળા પર પ્રતિબંધ છે. શોપિંગ કોમ્પલેક્સ, સિનેમા ઘર, રેસ્ટોરન્ટ, બાર, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરેને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ સિવાય તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થાનીક સ્થિતિનો અભ્યાસ કરે અને તે પ્રમાણે નિર્ણય લે. આ એડવાઇઝરીની આધાર પર રાજ્ય સરકાર નિર્ણય લઈ રહી છે. આ ગાઇડલાઇન સિવાય જો જરૂર પડે તો તે વિકલ્પ પર વિચાર કરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,06,65,148 પર પહોંચી ગયો છે. જેમાંથી  34,87,229 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,38,439 લોકો રિકવર થયા છે.

(સંકેત)