Site icon Revoi.in

ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક કાશીનું કન્વેન્શન સેન્ટર, જાણો તેની ખાસિયતો

Social Share

વારાણસી: દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં ભારત અને જાપાનની મિત્રતાનું પ્રતિક સમુ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. જાપાનના સહયોગથી વારાણસીમાં બનેલું આ સેન્ટરનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. વર્ષ 2021માં પીએમ મોદી વારાણસીને આ હાઇટેક કન્વેન્શન સેન્ટરની ભેટ આપશે. આ સેન્ટરની ખાસિયત એ છે કે સેન્ટરના બહારના ભાગમાં એલ્યુમિનિયમના 108 મોટા રૂદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે. જે આ સેન્ટરની સુંદરતા વધારે છે.

186 કરોડના ખર્ચે નિર્મિત આ હાઇટેક કેન્વન્શેન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને પર્યટકો અહીંયા ગીત, સંગીત, નાટક અને પ્રદર્શનનો લાભ ઉઠાવી શકશે. 3 એકરમાં પથરાયેલું આ કન્વેન્શન સેન્ટર વિશ્વના અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે.  આ કન્વેન્શન સેન્ટરમાં એક સાથે 1200 લોકોને બેસવાની વ્યવસ્થા છે.

કન્વેન્શન સેન્ટરની વિશેષતાઓ

કન્વેન્શન સેન્ટરમાં મોટા હોલ ઉપરાંત 150 લોકોની બેઠક ક્ષમતા ધરાવતા અન્ય બે કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રૂદ્રાક્ષ સેન્ટરના બંને દરવાજે 6-6 વ્હીલ ચેર રાખવામાં આવી છે. કન્વેન્શન સેન્ટરના ચોતરફ આકર્ષક ગાર્ડન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત બેઝમેન્ટમાં 120 ગાડીઓના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

કન્વેન્શન સેન્ટરમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે CCTV કેમેરા પણ લગાવામાં આવ્યા છે. તે ઉપરાંત રુદ્રાક્ષની એરકંડિશન્ડ સિસ્ટમ ઇટાલીથી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત લગાવવામાં આવેલા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ તરફથી થ્રી સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

(સંકેત)