Site icon Revoi.in

ઑક્સિજન લેવા ભારતીય વાયુસેનાના વિમાનો પહોંચ્યા સિંગાપુર

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ઘાતક બીજી લહેર વચ્ચે સમગ્ર દેશમાં ઑક્સિજનની અછત સર્જાઇ છે અને લોકો ઑક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ ઑક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે.

વાયુસેનાના વિમાનો શુક્રવારથી જ ઑક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આજે વાયુસેનાના સી-17 વિમાનો ઑક્સિજન ટેન્કરના ચાર કન્ટેનર ભરવા માટે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા છે. આ ચાર કન્ટેનરને ઑક્સિજન સાથે લોડ કરીને આ વિમાનો આજે સાંજ સુધીમાં પશ્વિમ બંગાળના પનાગર એરબેઝ પર ઉતરશે.

આજે આ વિમાનોએ ગાઝીયાબાદના હિન્ડન એરબેઝથી સિંગાપુર જવા માટે ઉડાન ભરી હતી. આ પહેલા ગઈકાલે વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનુ શરૂ કરી દીધુ છે. જેથી ઓક્સિજન દર્દીઓ સુધી વહેલી તકે પહોંચી શકે.

વાયુસેના દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ માટે દવાઓ અને બીજા ઉપકરણો પણ પહોંચાડી રહી છે. ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને ભારતની મુશ્કેલી હળવી કરવા વાયસેનાએ પોતાના સી-17, આઈએલ-76, એન-32 જેવા માલવાહક વિમાનોને કામે લગાડ્યા છે.

(સંકેત)