Site icon Revoi.in

ભારતીય સેનાના સૌથી અનુભવી ઘોડા ‘રિયો’ને મળ્યું સૌથી મોટું સન્માન

Social Share

નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીના 61-કેવલરીના ઘોડા રિયોને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન મળ્યું છે. રિયોને તેની સેવાઓ માટે આ સન્માન અપાયું છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં જ્યારે રિયો સામેલ થયો ત્યારે તે તેની 18મી ગણતંત્ર દિવસ પરેડ હતી. દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં ઇન્ડિયન આર્મીના ચીફ જનરલ એમ એમ નરવણેએ રિયોને સન્માનિત કર્યો હતો.

રિયો ભારતીય સેનાનો એવો પ્રથમ ઘોડો બન્યો છે, જેને આ સન્માન પ્રાપ્ત થયું છે. રિયો ભારતીય સેનાની 61 કેવલરીમાં છે, જે વિશ્વની એકમાત્ર ફંક્શનલ હોર્સ રેજિમેન્ટ છે. રિયો જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે પહેલી વખત ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લીધો હતો. છેલ્લા 18 વર્ષમાં રિયો સતત ટીમના કમાન્ડરનો ચાર્જર રહ્યો છે, એટલે કે કમાન્ડર રિયો પર સવાર થઇને નેતૃત્વ કરે છે.

61 કેવલરીના એક અધિકારીએ કહ્યું કે, રિયો ઘણો ખાસ છે. જ્યારે કમાન્ડર કોઈ કમાન્ડ આપે છે તો રિયો ધ્યાનથી સાંભળી તેને ફોલો કરે છે. સામાન્ય રીતે હોર્સ રેજિમેન્ટમાંથી ઘોડા 20 વર્ષની ઉંમરે રિટાયર થઈ જાય છે, પરંતુ રિયો 22 વર્ષનો છે અને હજુ પણ સેવા આપી રહ્યો છે. ઈન્ડિયન આર્મીમાં 61 કેવલરી 1 ઓગસ્ટ 1953માં બની હતી. ત્યારે છ રાજ્યોની ફોર્સે મળીને તેને બનાવી હતી. હાલમાં તે ઈન્ડિયન આર્મીની જ નહીં, દુનિયાની એકમાત્ર સર્વિંગ હોર્સ રેજિમેન્ટ છે.

1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં 61 કેવલરીને રાજસ્થાનના ગંગાનગર સેક્ટરમાં તૈનાત કરાઈ હતી. રેજિમેન્ટ પાસે 100 કિમીથી પણ વધારે એરિયાની જવાબદારી હતી. ત્યાંથી એકપણ ઘુસણખોરી નહોંતી થઈ. 1971ના યુદ્ધ દરમિયાન રિજમેન્ટની જવાબદારી રાષ્ટ્ર્રપતિ ભવનની સુરક્ષાની હતી. 61 કેવલરી રેજિમેન્ટે 1989માં ઓપરેશન ધવન, 1990માં ઓપરેશન રક્ષક, 1999માં કારગિલ યુદ્ધ અને 2001-2002માં ઓપરેશન પરાક્રમમાં પણ યોગદાન આપ્યું છે.

(સંકેત)