Site icon Revoi.in

હવે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા યુવતીઓ માટે ખુલશે, સરકારે લીધો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: અત્યારે જ્યારે હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે હવે મહિલાઓ રક્ષા ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકશે. હવે મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે કે NDAમાં સામેલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તેમણે મહિલાઓને NDA દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને સરકારને આ અંગે સોગંદનામુ કરવા માટે કહ્યું હતું.

અગાઉ મહિલાઓ માટે NDAના દરવાજા બંધ હતા. જ્યાં ફક્ત યુવકોને પ્રવેશ મળતો હતો. આ ભેદભાવયુક્ત લાગતા સુપ્રીમ કોર્ટે એક અરજી દાખલ કરી હતી. 18 ઑગસ્ટે કોર્ટે આદેશ આપ્યો હતો કે, આ વર્ષે યોજાનારી NGAની પ્રવેશ પરીક્ષામાં યુવતીઓને પણ મોકો આપવામાં આવે. કોર્ટે વધુમાં ઉમેર્યુ હતું કે, પ્રવેશ પર અંતિમ નિર્ણય પછી લેવાશે.

એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ કહ્યું કે, હું એક સારા સમાચાર આપવા માંગું છું. સરકારે ગઇકાલે જે નિર્ણય લીધો છે કે, યુવતીઓને NDA અને નેવેલ એકેડમીમાં પ્રવેશ મળશે. પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે આ વર્ષની પરીક્ષાને લઇને યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે. આ પરીક્ષા જૂનમાં થવાની હતી. જો કે, તેને કોરોનાને કારણે સ્થગિત કરાઇ હતી. પરીક્ષામાં ફેરફારથી ઘણી સમસ્યાઓ આવશે.

સરકારના નિર્ણયને આવકારતા બે જજોની બેંચની અધ્યક્ષતા કરતા જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે, અમને ખુશી છે કે સેનાઓ પોતે જ આ દિશામાં પહેલ કરી છે. સેનાનું સન્માન છે, પરંતુ તેને જાતિય સમાનતાને લઇને ઘણું કરવાનું જરૂરી છે. મહિલાઓ જે ભૂમિકા અદા કરી રહી છે, તેના મહત્વને સમજવું જોઇએ. જો આ નિર્ણય પહેલા લેવાયો હોત તો અમારે કોઇ આદેશ આપવાની જરૂર પડત નહીં.

કોર્ટે સરકારને આ મુદ્દે સોગંદનામું કરવા જણાવ્યું છે. કોર્ટે આ વર્ષની પરીક્ષામાં કોઈ બદલાવ ન કરવાના વિચાર અંગે સંકેત આપતાં કહ્યું કે,  તમે 20 સપ્ટેમ્બર સુધીમાં સોંગદનામું દાખલ કરો.