Site icon Revoi.in

ભારત-ચીનની ટેન્ક વચ્ચે હવે માત્ર કેટલાક મીટરનું જ અંતર: સરહદે સ્થિતિ તણાવપૂર્ણ

Social Share

નવી દિલ્હી: ગત વર્ષે મે મહિનાથી ચીન સાથે ચાલી રહેલી સરહદી તંગદિલીનું હજુ કોઇ સમાધાન કે નિવેડો આવ્યો નથી. ચીન લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર દાદાગીરી કરવા માંગે છે અને આ જ કારણોસર ભારતે મોટી સંખ્યામાં સૈન્ય અને અન્ય શસ્ત્ર-સરંજામ ખડકી દીધા છે. ભારતે અતિ વજનદાર અને સક્ષમ એવી ટી-90 ભીષ્મ સહિતની ટેન્ક પણ એલએસી પર ખડકી દીધી છે. હવે સ્થિતિ એવી બની છે કે દેશની ટેન્ક વચ્ચે માંડ કેટલાક મિટરનું જ અંતર રહ્યું છે. તેના કારણે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. ભારત-ચીનની ટેન્ક સામેસામે હોવાની તસવીર ચીની સોશિયલ મીડિયા વેબસાઇટ પર મુકાઇ હતી.

ગઇકાલે ઇન્ડિયન આર્મીએ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને એ દરમિયાન સેનાધ્યક્ષ એમ.એમ.નરવણેએ કહ્યુ હતું કે સરહદ પર કોઇ ભારતના ધૈર્યની કસોટી ના કરે. લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ અને સરહદ પરના કોઇના દુ:સાહસને સાંખી લેવાશે નહીં. ગત વર્ષ ભારતીય સૈન્ય માટે મુશ્કેલીજનક રહ્યું હતું. પરંતુ આપણે મજબૂત જવાનોએ મક્કમતાપૂર્વક પડકારોનો સામનો કર્યો હતો અને કરતા રહેશે.

આર્મી ડે ઉજવણી પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, નૌકાદળના વડા એડમિરલ કરમબિર સિંહ તથા વાયુસેનાધ્યક્ષ એર  ચીફ માર્શલ આરએસકે ભદૌરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ નરવણેએ કહ્યુ હતુ કે શાંતિ-વાટાઘાટો દ્વારા દરેક સરહદી સમસ્યા ઉકેલવા આપણે કટિબદ્ધ છીએ. પરંતુ ભારતની શાંતિપ્રિયતા કે ધિરજને નબળાઈ ન માની લેવી જોઈએ. ગલવાનમાં શહીદ થયેલા જવાનોની શહાદત એળે નહીં જાય એવો ભરોસો તેમણે અપાવ્યો હતો.

ભારતે પ્રથમવાર ડ્રોન વિમાનો પલટન જાહેર કરી હતી. આર્મી ડે ઉજવણીની પરેડમાં 75 ડ્રોન વિમાનો ભાગ લીધો હતો અને વિવિધ કામગીરી કરી દેખાડી હતી. આ ઉપરાંત અન્ય ઘાતક હથિયારોનું પણ પ્રદર્શન કરાયું હતું.

પાકિસ્તાન સરહદ વિશે જનરલ નરવણેએ કહ્યું હતું કે, ત્યાં 300-400 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. સામે પક્ષે આપણા જવાનો પણ સતર્ક છે અને આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે.

(સંકેત)