Site icon Revoi.in

કોરોનાના નવા પ્રકારથી સરકાર ચિંતિત, જાહેર કરી નવી એસઓપી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના એક વર્ષ બાદ સફળ વેક્સીનના સમાચારે સમગ્ર વિશ્વમાં એક નવી આશાનું કિરણ પ્રસરાવ્યું હતું, પરંતુ હવે બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવાથી સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુનાઇટેડ કિંગડમમાંથી મળી આવેલા સાર્સ-કોવ 2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં એસઓપી જારી કરી છે.

કોરોનાના નવા પ્રકારને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલી નવી માર્ગદર્શિકા

બ્રિટનમાં હાલમાં કોરોનાનો નવો પ્રકાર ઝડપી ગતિએ પ્રસરી રહ્યો છે. યુકેમાં વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. નવા પ્રકારનો કોરોના બાદ અનેક દેશોમાં ચિંતા પ્રસરી છે.

બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેઇન VUI-202012/01 મળી આવ્યું છે, જેના પછી વિજ્ઞાન જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. બ્રિટને પણ અહીં તેની સખતાઇ વધારી દીધી છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યુરોપના ઘણા દેશોએ યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

(સંકેત)