Site icon Revoi.in

નીતિ આયોગે SDG રેન્કિંગ બહાર પાડ્યું, કેરળ પ્રથમ ક્રમાંકે, જાણો યાદીમાં ગુજરાત ક્યાં સ્થાન પર

Social Share

નવી દિલ્હી: દેશના બધા રાજ્યોની સરકાર રાજ્યમાં વિકાસને લઇને પોતાની જ વાહવાહી કરતી હોય છે અને પોતાની સરકાર શ્રેષ્ઠ છે તેવા દાવા કરતી હોય છે. ત્યારે હવે વાસ્તવિક ચિત્રને જાણવા માટે મોદી સરકારની થિંક ટેન્ક દ્વારા આ રાજ્યોમાં કેટલો વિકાસ થઇ રહ્યો છે અને ક્યાં ક્રમાંકે ક્યું રાજ્ય આવે છે તેને લઇને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

મોદી સરકારની થિંક ટેન્ક દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દક્ષિણના કેરળ રાજ્યે ફરીથી ટોપ કર્યું છે જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન કરતું રાજ્ય બિહાર છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ કહી શકાય છે કે વિકાસના દાવાઓ કરવા અને વાસ્તવિક વિકાસ વચ્ચે કેટલું અંતર છે.

નીતિ આયોગ દ્વારા ત્રીજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજ્યો દ્વારા થઇ રહેલા વિકાસ, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સ્થિતિ પર રાજ્યોનું કેવું પ્રદર્શન છે તેની જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટને SDG એટલે કે Sustainable Development Goals નામ અપાયું છે.

આ રિપોર્ટ તૈયાર કરવા માટે આયોગે 17 લક્ષ્યો નક્કી કર્યા હતા અને ત્યારબાદ તે 17 મુદ્દાઓ પર રાજ્યો દ્વારા કરવામાં આવતા પ્રદર્શનને નજરમાં રાખવામાં આવ્યું હતું. બાદમાં રાજ્યોના દરેક મુદ્દા પર પ્રદર્શનને આધારે ક્રમ આપવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં ગુજરાત ક્યાં ક્રમે

આ રિપોર્ટમાં ટોચના 5 રાજ્યોમાં ગુજરાત સામેલ થઇ શક્યું નથી. આ યાદીમાં કેરળ પ્રથમ સ્થાને છે જ્યારે ગુજરાત 10માં ક્રમાંકે છે. જો કે કેટલાક સેક્ટર જેવા કે સારા સ્વાસ્થ્ય તેમજ ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મામલે ગુજરાત ટોચ પર રહ્યું છે.

બીજી તરફ, સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં બિહાર સૌથી નીચે છે જ્યારે બિહારથી ઉપર ઝારખંડ છે. તે ઉપરાંત અરુણાચલ પ્રદેશ, મેઘાલય, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પણ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યોની યાદીમાં સામેલ છે.