Site icon Revoi.in

પાક-ચીનની મિત્રતા બની શકે ખતરો, ભારત સાથે ટકરાવની પણ આશંકા: આર્મી ચીફ

Social Share

નવી દિલ્હી: પૂર્વી લદ્દાખ અને દેશની ઉત્તરી બોર્ડર પર રહેલા પડકારોને લઇને આર્મી ચીફ એમ એમ નરવણેએ કહ્યું હતું કે ભારતીય સેના હાઇ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે. આર્મી ચીફે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે ગત વર્ષ અનેક પડકારોથી ભરેલું હતું. સરહદ પણ તણાવનો માહોલ હતો તેમજ કોરોના સંક્રમણનો ખતરો પણ હતો. પરંતુ સેનાએ દરેક વિષમ પરિસ્થિતઓનો પણ મક્કમતાપૂર્વક સામનો કર્યો છે.

સેના પ્રમુખ નવરણેએ ચીન અને પાકિસ્તાનને ખતરો જણાવતા કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરે છે અને ટકરાવની આશંકાને દૂર ના કરી શકાય. અમે ઉત્તરી સરહદ પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારીઓ કરી છે અને કોઇપણ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, સેનાએ ઠંડીને લઇને સંપૂર્ણપણે તૈયારી કરી છે. લદ્દાખની સ્થિતિ અંગે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે, અમને શાંતિપૂર્ણ સમાધાનની આશા છે, પરંતુ કોઇ આકસ્મિક પડકારોનો સામનો કરવા માટે પણ દરેક રીતે તૈયાર છીએ. તે માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારી સંપૂર્ણ છે.

સેના પ્રમુખે કહ્યું કે, અમે પૂર્વી લદ્દાખમાં એલર્ટ છીએ. ચીનની સાથે કોર્પ્સ કમાન્ડર લેવલની આઠમાં રાઉન્ડની મંત્રણા થઇ ચૂકી છે અને અમે આગામી મંત્રણાની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. અમને આશા છે કે સંવાદ અને સકારાત્મક પહેલથી આ મુદ્દાનો ઉકેલ આવશે. કોઇપણ આપાત સ્થિતિનો સામનો કરવા માટે અમારી તૈયારી ઉચ્ચ કક્ષાની છે અને અમારી સેનાનું મનોબળ મક્કમ છે.

પાકિસ્તાન અંગેનું વલણ સ્પષ્ટ કરતા આર્મી ચીફે કહ્યું હતું કે, પાકિસ્તાન હજુ પણ આતંકવાદને સમર્થન આપે છે, પરંતુ આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે અમારા પસંદના સમય, સ્થળ તેમજ લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવાનો અમારો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ.

(સંકેત)