Site icon Revoi.in

પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર આજે થશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કેટલાક ખાસ લોકોની કરવામાં આવેલી જાસૂસીની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી હાથ ધરશે. મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણના નેતૃત્વવાળી ત્રણ સભ્યની બનેલી ખંડપીઠે સાત સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો.

અગાઉ થયેલી સુનાવણીમાં કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યુ હતું કે, તેમને નવું એફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમયની જરૂર છે. કેન્દ્ર સરકારે આ અગાઉ એક સંક્ષિપ્ત એફિડેવટ દાખલ કર્યુ હતું અને જણાવ્યું હતું કે પેગાસસ જાસુસી આરોપોમાં સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ અંદાજો અથા અન્ય અપ્રમાણિત મીડિયા અહેવાલો અથવા અધૂરી સામગ્રીને આધારે કરાઇ છે.

સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટે અરજીઓના સંદર્ભમાં કેન્દ્રને નોટીસ જારી કરતા જણાવ્યું હતું કે કોર્ટ ઇચ્છતી નથી કે સરકાર એવો કોઇ ખુલાસો કરે જેનાથી દેશની સુરક્ષા સામે ખતરો ઉભો થાય. સરકારે સંક્ષિપ્ત એફિડેવિટમાં જણાવ્યું હતું કે આ સંદર્ભમાં ઇન્ફરમેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ જ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક અંગત સ્વાર્થને કારણે ફેલાવવામાં આવેલ કોઇપણ ખોટી ધારણાને દૂર કરવા માટે અને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવા માટે સરકાર નિષ્ણાતોની સમિતિનું પણ ગઠન કરશે.