Site icon Revoi.in

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સર્વોચ્ચ સ્તરે પહોંચી, કિંમત 90 રૂપિયાને પાર

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ભડકે બળી રહ્યા છે. દેશના કેટલાય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતનો ગ્રાફ સતત ઉંચકાઇ રહ્યો છે અને અનેક રાજ્યોમાં કિંમત 90ને પાર પહોંચી ગઇ છે. પેટ્રોલની સૌથી વધુ કિંમતમાં શ્રીગંગાનગર આગળ છે. અહીંયા 99.56 રૂપિયામાં પેટ્રોલ વેચાય છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દેશભરમાં પેટ્રોલની કિંમતમાં સરેરાશ 25 થી 29 પૈસાનો વધારો થયો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ 99.56 રહ્યો હતો. અમદાવાદમાં પણ પેટ્રોલનો 86.20 અને ડીઝલનો 85.45 ભાવ બોલાતો હતો. દિલ્હીમાં પેટ્રોલની લીટરની કિંમત 89 રૂપિયા હતી. મુબઇમાં પેટ્રોલ 95.46 અને ડીઝલ 86.34ની કિંમતે વેચાયા હતા.

કોલકાત્તામાં પેટ્રોલનો ભાવ 90 અને ડીઝલની કિંમત 83 રૂપિયા હતી. તો ચેન્નાઇમાં પેટ્રોલ 92 રૂપિયે મળ્યું હતું અન ડીઝલ માટે 85 રૂપિયા આપવા પડતા હતા. જયપુરમાં 95 રૂપિયા જેવો ભાવ નોંધાયો હતો. તે ઉપરાંત બેંગ્લુરુ, હૈદરાબાદ, પટણા, થિરુવનંતપુરમ જેવા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 90ની નજીક રહ્યો હતો.

પ્રીમિયમ પેટ્રોલ તો દેશભરમાં 100ને પાર પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્રના કેટલાક સ્થળોએ પ્રીમિયમનો ભાવ 100 વસૂલાય છે. ડીઝલના ભાવ મોટા શહેરોમાં સરેરાશ 85 થી 90 નજીક રહ્યા હતા. સતત સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલ બંનેમાં વધારો થયો હતો.

છેલ્લા સાત દિવસોની વાત કરીએ તો પેટ્રોલમાં સરેરાશ 2.06 રૂપિયા વધ્યા હતા, તો ડીઝલમાં પણ સરેરાશ 2.56 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. આ ભાવવધારા પાછળ વૈશ્વિક માર્કેટને કારણભૂત ગણવામાં આવે છે. પરંતુ સ્થાનિક સરકારોનો ટેક્સ પણ તોતિંગ હોવાથી કિંમતનો આંકડો સતત વધતો જાય છે.

(સંકેત)