Site icon Revoi.in

દેશમાં વસતી નિયંત્રણ માટે બે બાળકોની નીતિ બનાવવા સુપ્રીમમાં માંગ

Social Share

નવી દિલ્હી: દેશમાં દિન પ્રતિદીન સતત વસતી વધી રહી છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વસ્તીના મામલે ચીન પછી બીજા ક્રમે ભારત છે ત્યારે ભારતમાં વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવા માટેની માંગ સાથે એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વસ્તી વિસ્ફોટને કારણે દેશમાં અનેક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સરકાર દ્વારા સ્થિતિ પણ હવે બેકાબૂ બની રહી છે.

ભારતના પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના પૌત્ર ફિરોઝ બખ્ત અહમદ દ્વારા દાખલ કરાઇ છે. જેમાં દાવો કરાયો છે કે, ભારતમાં 50 ટકાથી વધુ સમસ્યાઓ માટે મૂળભૂત કારણ વસતી વધારો છે. દેશમાં બે બાળકોની નીતિ લાવવામાં આવે અને વસ્તી નિયંત્રણ માટે વિશેષ કાયદો ઘડાય તે માટે કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે તે આવશ્યક છે.

જાહેર હિતની અરજીમાં સાથે કેન્દ્ર સરકારને નોકરીઓ, સહાયતા અને સબ્સિડી, મતદાનનનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, મુક્ત આશ્રયનો અધિકાર વગેરેના માનદંડના રુપમાં બે બાળકોની નીતિ બનાવવા માટે વ્યવહાર્યતાની જાણકારી મેળવવા આદેશ આપવાની માગણી કરવામાં આવી છે.

તે ઉપરાંત દર મહિનાના પ્રથમ રવિવારને સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ દિવસે લોકોમાં વસતી વધારાને ઘટાડવા માટેના જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમોનું આયોજન થવું જોઇએ.