Site icon Revoi.in

ખેડૂતોની માંગણીને લઇને સરકાર શું વિચારે છે, PM મોદીએ વીડિયો શેર કર્યો

Social Share

નવી દિલ્હી: કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોની ચિમકી વચ્ચે પીએમ મોદીએ અપીલ કરી છે. સરકાર સાથે ખેડૂતોની અત્યારસુધીની 6 ચરણની મંત્રણા પણ નિષ્ફળ થઇ ચૂકી છે. એક તરફ જ્યાં ખેડૂતો આ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે તો બીજી તરફ સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ કાયદો પરત નહીં લે. PM મોદીએ રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો એક વીડિયો શેર કરીને તેને સાંભળવા માટે અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે – મંત્રીમંડળના મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલએ નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોની માંગોને લઇને વિસ્તારપૂર્વક વાત કરી છે. તેને ચોક્કસથી સાંભળો.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે કૃષિ કાયદાઓની વિરુદ્વ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આંદોલન છોડીને મંત્રણાનો રસ્તો અપનાવવો જોઇએ. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના કોઇ પણ મુદ્દા પર જો ખેડૂતોને આપત્તિ છે તો સરકાર તેની પર ખુલ્લા મને ચર્ચા કરવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં તોમરે કહ્યું હતું કે મંત્રણાની પ્રક્રિયાની વચ્ચે ખેડૂતો દ્વારા આગામી ચરણના આંદોલનની ઘોષણા કરવી યોગ્ય નથી. સરકાર મંત્રણા કરવા માટે બિલકુલ તત્પર છે. તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે મંત્રણાના માધ્યમથી કોઇ માર્ગ ચોક્કસ નીકળશે.

(સંકેત)