Site icon Revoi.in

શું દેશમાં ફરીથી લોકડાઉન લાગૂ થશે? આજે PM મોદીની અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક

Social Share

નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં લોકડાઉન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં રાત્રી કર્ફ્યૂ સહિયના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હજુ સ્થિતિ વકરે તેવી ભીતિ વચ્ચે પીએમ મોદી આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આજે બપોરે 12 વાગ્યે પીએમ મોદીની આ બેઠક શરૂ થશે.

આ એક વર્ચ્યુઅલ બેઠક હશે. બેઠકમાં કોરોનાના પ્રસારને અટકાવવા અને કોરોનાનું રસીકરણ ઝડપી બનાવવા પણ રણનીતિ ઘડવામાં આવી શકે છે. પીએમ મોદીની આ બેઠક પર સમગ્ર દેશ મીટ માંડીને બેઠું છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી પીએમ મોદીની આ બેઠકમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ તેમજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થઇ શકે છે. પીએમ મોદી સાથે થનારી બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લાવવા માટેની રણનીતિ કે વ્યૂહરચના ઘડવામાં આવે તેવી શક્યતા છે. કોરોના વાયરસની વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થયા બાદ પીએમ મોદી પ્રથમવાર કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરવા જઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગત સપ્તાહ કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે. કેન્દ્રીય ટીમે જણાવ્યું કે મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે અને સંક્રમણને રોકવા માટે કારગર ઉપાય અજમાવવાની જરૂર છે.

(સંકેત)