Site icon Revoi.in

પંજાબ કોંગ્રેસમાં વળાંક, અંબિકા સોનીએ CM બનવા કર્યો ઇન્કાર, ધારાસભ્ય દળની બેઠક પણ રદ્દ થઇ

Social Share

નવી દિલ્હી: પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્વુ વચ્ચે સત્તા માટે ગજગ્રાહ ચાલી રહ્યો હતો જે હવે અંતિમ ચરણોમાં પહોંચતા ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવું પડ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ રાજ્યમાં કોને નવા સીએમ બનાવશે તે અંગે અટકળો શરૂ થઇ છે.

પંજાબના સીએમ અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના આગામી મુખ્યમંત્રીઓને લઇને ચર્ચા થઇ રહી છે અને સીએમ પદની રેસ માટે કોંગ્રેસી નેતા અંબિકા સોનીનું નામ પણ ઉછળ્યું હતું પરંતુ થોડા જ સમયમાં એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે, તેમણે પોતે જ આ પદ માટે ના પાડી દીધી છે. અંબિકા સોની પંજાબમાં શીખ ચહેરો જોવા માંગે છે. આ ઉપરાંત રવિવારે યોજાનારી ધારાસભ્ય દળની બેઠક પણ રદ્દ થઇ છે.

પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટ સિંહે ધારાસભ્ય દળની બેઠક રદ્દ થઈ હોવાની માહિતી આપી હતી. પાર્ટી હવે સૌથી પહેલા મુખ્યંમત્રી પદના નામ પર એકજૂથતા સાધવા પ્રયત્ન કરી રહી છે. અંબિકા સોનીએ પોતાના આ નિર્ણય પાછળ સ્વાસ્થ્યનું કારણ દર્શાવ્યું હતું. પાર્ટીના તમામ લોકોએ અંબિકા સોનીને વારંવાર મુખ્યમંત્રી પદ સંભાળવા માટે અને તેમના નામ માટે સરળતાથી સર્વસંમતિ બનશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. અંબિકા સોની દિલ્હી જ છે અને તેઓ ચંદીગઢ નથી જઈ રહ્યા.

નોંધનીય છે કે, અંબિકા સોનીએ હાઇ કમાન્ડને એવી ઇચ્છા જણાવી હતી કે, પંજાબમાં એક શીખ વ્યક્તિને જ મુખ્યમંત્રી બનવું જોઇએ. કારણ કે, પંજાબમાં શીખ નહીં હોય તો પછી કોણ હશે? તેઓ પાર્ટીને લોયલ છે અને સન્માન કરે છે પરંતુ તે મુખ્યમંત્રી માટેનું પદ સંભાળવા ઇચ્છુક નથી.

Exit mobile version