Site icon Revoi.in

અયોધ્યા જમીન વિવાદનો મામલો: રામ મંદિર ટ્રસ્ટે જમીન ખરીદીના વ્યવહારો સાઇટ પર મૂક્યા

Social Share

નવી દિલ્હી: અયોધ્યા જમીન વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ફસાયું હતું અને તેની પર જમીન ખરીદીમાં ગોટાળા કરાયાના આરોપ લાગ્યા હતા. આ મામલે રામમંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ટ્રસ્ટે જમીન ખરીદીમાં ગોટાળા-કૌંભાડના તમામ આક્ષેપો નકાર્યા હતા. હવે ટ્રસ્ટે જમીન ખરીદી વ્યવહારોને લઇને વધુ એક નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેની વેબસાઇટ પર જમીન ખરીદી સંબંધિત સંપૂર્ણ વિગતો અપલોડ કરી છે. તેનો હેતુ એ છે કે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર દેશના રામ ભક્તો જમીન વિવાદના મુદ્દાને સત્યતા તપાસી શકે છે. ટ્રસ્ટે જમીનના કેસમાં સંબંધિત તમામ પાસાઓ વિશે રામ ભક્તોને માહિતી આપવાના હેતુથી સાઇટ પર અંગ્રેજીમાં સમગ્ર વાત જણાવી દીધી છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust)એ જમીન ખરીદીની વિગતો દર્શાવી છે તેમાં જે વ્યવહાર અંગે વિવાદ થયો છે તેની તમામ માહિતી આપી છે. બાગ બીજૈશી સ્થિત આ 1.2080 હેક્ટર જમીન પ્રતિ ચોરસ ફુટના રૂ.1423 ના દરે ખરીદવામાં આવી છે જે બજાર દર કરતા ઘણી ઓછી કિમત છે. આ જમીન અંગે કરારની પ્રક્રિયા વર્ષ 2011 થી ચાલી રહી હતી.

ટ્રસ્ટ આ જમીનની ખરીદી માટે ઉત્સુક હતું. પરંતુ તે જમીનના માલિકહકને સ્પષ્ટ કરવા માંગતું હતું, કેમ કે આ કરારમાં નવ લોકો સામેલ થયા હતા, જેમાંથી ત્રણ મુસ્લિમ હતા. દરેકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સંમતિ લેવામાં આવી હતી, પછી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.