Site icon Revoi.in

બાબા રામદેવનું ફરીથી એલોપેથી પર વિવાદિત નિવેદન, કહ્યું – મેડિકલ અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે

Social Share

નવી દિલ્હી: થોડાક સમય પહેલા એલોપેથી પર વિવાદિત નિવેદન આપીને વિવાદના સૂર છેડ્યા બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવે ફરી એકવાર એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદને છંછેડ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ગાઝિયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન બાબા રામદેવે કહ્યું હતું કે, ડૉક્ટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તે દેશના ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે અને તેને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવાય છે.

એલોપેથીના અભ્યાસક્રમને ડ્રગ ઇન્ડસ્ટ્રીઝનો સિલેબસ ગણાવીને બાબા રામદેવે ફરીથી વિવાદ ઉભો કર્યો છે. રામદેવે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી 6 મહિના માટે પતંજલિ યોગપીઠમાં ભણવા માટે જગ્યા નથી. કારણ કે આયુર્વેદિક અભ્યાસની માંગ વધી રહી છે.

આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા પણ રામદેવે ડૉક્ટરો સામે નિવેદનબાજી કરીને વિવાદ ઉભો કર્યો હતો. અને તેની સામે અલગ અલગ રાજ્યોમાં પોલીસ ફરિયાદો પણ થઇ ચૂકી છે. સુપ્રીમ કોર્ટમાં પણ બાબા રામદેવ સામે પિટિશન દાખલ કરાઇ છે.

આ દરમિયાન બાબા રામદેવે અલગ અલગ રાજ્યોમાંથી થયેલી પોલીસ ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ દરમાયન દિલ્હી મેડિકલ એસોસિએશને તેમનો વિરોધ કર્યો છે. એસોસિએશને એવી માંગણી કરી છે કે, તમને કોઇ રાહત આપવામાં ના આવે.