Site icon Revoi.in

અનામતનો લાભ લેનારા પણ જનરલ કેટેગરીમાં કરી શકે છે અરજી: સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી: સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની નોકરીની જગ્યાઓને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની જગ્યાઓ માટે એસસી, એસટી, ઓબીસી પણ અરજી કરી શકે છે. કેમ કે જનરલ કેટેગરીની નોકરીની જગ્યા દરેક માટે ઓપન માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ યુ યુ લલિત, રવિન્દ્ર ભટ અને રિશિકેશ રોયે જણાવ્યું હતું કે જનરલ કે ઓપન કેટેગરી દરેક માટે છે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે ઓપન કેટેગરીમાં અનામતનો લાભ લેનારાઓને પણ અરજી કરવાનો અધિકાર છે કેમ કે ઓપન કેટેગરીમાં માત્ર મેરિટ જ આધાર હોય છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે કોટા પોલિસીનો અર્થ યોગ્યતાને નકારવાનો નથી. કોટા પોલિસીનો અર્થ કુશળ લોકોને નોકરીથી દૂર રાખવાનો નથી. ભલે પછી તેઓ અનામત કેટેગરીમાં જ કેમ ના આવતા હોય.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેઠકોને ભરવા માટે યોગ્યતાને ધ્યાન પર લેવી જોઇએ અને કુશળ વિદ્યાર્થીઓને તેમાં પ્રાથમિકતા મળવી જોઇએ. પછી આવા વ્યક્તિની જાતી કોઇપણ કેમ ના હોય. સુપ્રીમે આ અવલોકન ઓપન કેટેગરીને લઇને કર્યું છે અને કહ્યું છે કે ઓપન કેટેગરીમાં મેરિટ જ એકમાત્ર આધાર હોય છે અને તેથી તેમાં જનરલ, ઓબીસી, એસસી, એસટી કોઇપણ કેટેગરીની વ્યક્તિ આવી શકે છે.

(સંકેત)