Site icon Revoi.in

સુપ્રીમની ઐતિહાસિક ટિપ્પણી: રાઇટ ટુ હેલ્થ પ્રત્યેક વ્યક્તિનો મૌલિક અધિકાર

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ટિપ્પણી કરીને આરોગ્યને મૌલિક અધિકાર જણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાઇટ ટુ હેલ્થ મૌલિક અધિકાર છે. સરકાર સસ્તી સારવારની વ્યવસ્થા કરે. તે સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને બધી રાજ્ય સરકારોને કડકાઇથી કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટીને પણ સુનિશ્વિત કરવા કહ્યું.

સુપ્રીમ કોર્ટે દેશભરના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ ગાઇડલાઇન્સનું કડકાઇથી પાલન કરાવવા નિર્દેશ કર્યો હતો. કોર્ટે સરકારે બધી કોરોના હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુનિશ્વિત કરવા કહ્યું. કોર્ટે કહ્યું હતું કે, જે હોસ્પિટલે હજુ સુધી ફાયર એનઓસી નથી લીધી, તે તાત્કાલિક લે. જો ચાર સપ્તાહની અંદર ફાયર એનઓસી ના લે તો રાજ્ય સરકાર તેમની સામે એક્શન લે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી કે દિશાનિર્દેશો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ ના થવાથી કોવિડ મહામારી ઝડપી ગતિએ ફેલાઇ છે. અભૂતપૂર્વ મહામારીના કારણે વિશ્વભરમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ રીતે પ્રભાવિત થઇ છે. આ મહામારી વિરુદ્વ વિશ્વ યુદ્વ છે. કર્ફ્યૂ કે લોકડાઉન લાગુ કરવાના કોઇપણ નિર્ણયની પહેલા જાહેરાત કરવી જોઇએ, જેથી લોકો પોતાની આજીવિકા માટે વ્યવસ્થા સુનિશ્વિત કરી શકે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સતત 8 મહિનાથી કામ કરતા પહેલી હરોળના આરોગ્ય કર્મચારીઓ હવે થાકી ગયા છે, તેમને આરામ આપવા માટે કોઇ વ્યવસ્થાની જરૂર છે. સાથે જ રાજ્યોએ સફળતાપૂર્વક કાર્યવાહી કરવી જોઇએ અને કેન્દ્રની સાથે સૌહાર્દપૂર્ણ રીતે મળીને કામ કરવું જોઇએ.

(સંકેત)