Site icon Revoi.in

ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પરીક્ષણને સરકારે આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: કોરોના સામેની લડાઇમાં વધુ એક સારા સમાચાર છે. ભારત સરકારે હવે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નિષ્ણાત સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નાક વાટે લેવાની રસીની વિશેષતા એ છે કે આ રસી એક જ વખત લેવાની રહેશે. ભારતમાં અત્યારસુધીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ તેમજ ભારત બાયોટેકની કોવેક્સિન રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે.

ભારત બાયોટેકને નાક વાટે લેવાની રસીની ટ્રાયલની મંજૂરી મળતાં નાગપુરમાં પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે. ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા ઇલ્લાએ જણાવ્યું હતું કે નાક વાટે લેવાની રસી માટે કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે.

રિસર્ચમાં જણાવ્યું છે કે આ રસી કોરોના સામેની લડાઇમાં ઘણો સારો વિકલ્પ સાબિત થશે. નાકથી અપાતી રસી ઇન્જેક્શનવાળી રસી કરતાં વધુ સારી છે. આ રસીની ટ્રાયલ માટે ભૂવનેશ્વર, નાગપુર, પૂણે, હૈદરાબાદમાં 18 થી 65 વર્ષના અંદાજે 40-45 વોલન્ટિયર્સની પસંદગી કરાશે.

નોંધનીય છે કે હાલમાં દેશના અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ચૂક્યું છે અને હાલમાં ફ્રન્ટલાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અપાઇ રહી છે. બીજી તરફ દેશમાં કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે.

(સંકેત)