Site icon Revoi.in

મોદી કેબિનેટમાં મહિલાઓનો દબદબો વધ્યો, જાણો કેટલી સંખ્યા થઇ અને કઇ જવાબદારી મળી?

Social Share

નવી દિલ્હી: મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ થયું છે. રાષ્ટ્રપતિના હસ્તે 43 નેતાઓએ મંત્રીઓના પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા. મોદી સરકારમાં કેબિનેટમાં મહિલાઓનો દબદબો પણ વધ્યો છે. 36 નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી પણ વધી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને મળીને હવે કેન્દ્રીય મંત્રી પરિષદમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા 11 થઇ ગઇ છે.

બુધવારે જે મહિલા સાંસદોએ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા તેમાં અપના દળના અનુપ્રિયા પટેલ, શોભા કરાંદલાજે, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, પ્રતિમા ભૌતિક, ડૉ. ભારતી પવાર અને દર્શના જરદોશ સામેલ છે.

મિનાક્ષી લેખી દિલ્હીથી સાંસદ છે અને તેમને વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે અનુપ્રિયા પટેલને વાણિજ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે. શોભા કરાંદલાજે કર્ણાટકના ઉડુપીથી બેવારથી સાંસદ છે. તેમને કૃષિ વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે દર્શા જરદોશ ગુજરાતથી છે અને કપડા અને રેલ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

અન્નપૂર્ણા દેવી ઝારખંડના કોડરમા બેઠકથી સાંસદ છે અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રતિમા ભૌમિક ત્રિપુરાના છે અને તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં રાજ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. ભારતી પવાર મહારાષ્ટ્રના ડિંડોરી બેઠકથી સાંસદ છે. તેમને મહિલા બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે.

તમામ મહિલા મંત્રીઓએ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે શપથ ગ્રહણ સમારોહ બાદની એક તસવીર શેર કરી છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાની સાથે તમામ નવા મહિલા મંત્રી જોવા મળે છે. આ તસવીર ભાજપ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહિલા શક્તિના વધતા વર્ચસ્વનું પ્રતિક છે.

Exit mobile version