Site icon Revoi.in

ઉત્તર ભારત: ધૂમ્મસના કારણે અનેક ટ્રેનો કરાઇ રદ, વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ

Social Share

નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે અને ઠંડી પડવાની સાથોસાથ રેલવે ટ્રેક પર પણ ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેને સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. આ અંગે રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ ગઇ હતી.

આ પ્રકારના સંજોગોમાં ટ્રેન દોડાવવાથી ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિ હોવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને દિલ્હી-ઉત્તર પ્રદેશ, દિલ્હી-બિહાર તેમજ ઉત્તર ભારતનાં બીજાં ઘણાં શહેરોની રેલવે લાઇન પર વિઝિબિલિટી શૂન્ય જેવી થઇ જતાં ટ્રેનો રદ કરવામાં આવી હતી. પરિણામો હજારો લોકો ફસાઇ ગયા હતા. રેલવેની જાહેરાત મુજબ આજથી એટલે કે 16મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કેટલીક ટ્રેનો નહીં દોડે. જો મુસાફરોને રિફંડ જોઇતું હોય તો નજીકના સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે.

રેલવેના પ્રવક્તાએ બિહાર સાથે સંકળાયેલી લીચ્છવી એક્સપ્રેસ, યમુના એક્સપ્રેસ, અવધ-આસામ એક્સપ્રેસ વગેરે ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી. આઠ ટ્રેન અઠવાડિયે એક વાર અને 8 ટ્રેનો સંપૂર્ણપણે રદ એવી વ્યવસ્થા વિચારાઇ હતી. આવી ટ્રેનોમાં સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ, વૈશાલી એક્સપ્રેસ અને સત્યાગ્રહ એક્સપ્રેસનો પણ સમાવેશ થયો હતો.

(સંકેત)