Site icon Revoi.in

નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાય તે અનિવાર્ય: નેશનલ શિપિંગ બોર્ડ

Social Share

નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જનજીવન પ્રભાવિત થયું છે. હાલમાં કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર ઉપાય વેક્સિનેશન છે અને બને તેટલી ઝડપથી વધારેમાં વધારે લોકોનું વેક્સિનેશન થાય તે આવશ્યક છે. જો કે તેમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાતા નાવિકોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.

મર્ચન્ટ નેવીમાં ફ્રન્ટલાઇન તરીકે કામ કરતા સી ફેરર એટલે કે નાવિકોને રસીકરણમાં પ્રાથમિક્તા આપવામાં આવતી નથી. નેશનલ શિપિંગ બોર્ડના આરોપ પ્રમાણે તેમને વેક્સિનેશનમાં પ્રાથમિકતા નથી અપાઇ. આ કારણે સેંકડો લોકોએ નોકરી ગુમાવી છે અને હજારો લોકોની નોકરી પર જોખમ તોળાઇ રહ્યું છે.

નેશનલ શિપિંગ બોર્ડના સદસ્ય સંજય પરાશરે જણાવ્યું કે, દેશભરમાં 4 લાખ સી ફેરર છે. તેઓ યુદ્ધ સમયે નેવી સાથે સૈનિકની ભૂમિકા પણ ભજવે છે. તેમને દેશના 12 બંદરો પર વેક્સિનેશન માટે કહેવામાં આવ્યું છે જ્યાં વેક્સિનનો સમય પણ નક્કી નથી કરાયો. આ કારણે સેંકડો લોકોએ નોકરી ગુમાવી છે અને વધુ હજારો લોકો નોકરી ગુમાવી શકે છે.

તેમણે આ તમામને પ્રાથમિકતાના આધાર પર દેશના કોઈ પણ રાજ્યમાં જ્યાંના નિવાસી હોય તેમને ત્યાં જ વેક્સિન આપવા વિનંતી કરી છે જેથી તેમની નોકરીઓ સંકટમાં ન મુકાય. સાથે જ તેમણે ભારત સરકાર આ રીતે નોકરીઓનું સર્જન કરવાની દિશામાં યોગ્ય પગલું ભરી શકશે તેવો દાવો પણ કર્યો હતો.

આમ હકીકત પર નજર કરીએ તો, તેમનો તર્ક એવો છે કે મર્ચન્ટ નેવીમાં કામ કરતા સી ફેરર એટલે કે નાવિકો 6 મહિનાથી લઇને 1 વર્ષ સુધી જહાજ પર સમય વ્યતિત કરે છે. હાલ એ લોકોને જ પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય. ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયા ધીમી હોવાથી તે લોકોને રસી નથી મળી રહી. તેથી જો તે લોકોનું વેક્સિનેશન જલ્દી થાય તો તે લોકો નોકરીમાં પાછા ફરી શકે.