Site icon Revoi.in

કિસાન આંદોલનને લઇને મહત્વનો દિવસ, આજે સુપ્રીમમાં થશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા કિસાન આંદોલનને લઇને આજે મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં ખેડૂતો સંબંધિત તમામ કેસની સુનાવણી કરાશે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી 8 વખતની મંત્રણા પરિણામ વગરની રહી છે. સરકારે તેમનો પક્ષ મુકવા માટે વિસ્તૃત તૈયારી કરી છે. પ્રદર્શન મામલે કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે. એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કિસાનોના આંદોલનથી દૈનિક અંદાજે 3500 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. અરજીમાં દિલ્હીની સીમાઓને કોર્ટ આદેશથી ખાલી કરવાની માંગ કરી છે.

અગાઉ સુપ્રીમ કોર્ટમાં 17 ડિસેમ્બરના રોજ આ અંગે સુનાવણી થઇ હતી જેમાં કોર્ટે કહ્યું હતું કે જો કિસાનો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યાં છે તો હાલ આ મામલે યથાસ્થિતિ રહેવા દો. આ પહેલા સુપ્રીમ કોર્ટે વિવાદને દૂર કરવા માટે ચર્ચા પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે આંદોલનને કારણે કોરોના સંક્રમણ વધવાની પણ ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર પાસે આંદોલન દરમિયાન કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરાવવા માટેના પણ નિર્દેશ આપ્યા હતા. કિસાનોના આ આંદોલનમાં ખાલિસ્તાનના ફ્લેગ તેમજ કેનેડાથી થયેલા ફન્ડિંગ પણ ચિંતાનો વિષય છે.

અગાઉની સુનાવણીમાં હાલનો અડચણ હલ કરવાના હેતુ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું તે કાયદાઓની માન્યતા નક્કી ન થાય ત્યાં સુધી તેમના અમલીકરણ પર રોક લગાવી શકે છે. તેથી, આજની સુનાવણી દરમિયાન, આંદોલનકારી ખેડુતો તેમના પક્ષમાં કોઈ ચમત્કારની આશા રાખી શકે છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કાયદો પાછો લેવાને બદલે તે જોગવાઈઓ પર ચર્ચા કરવા તૈયાર છે જેના પર ખેડૂત સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે.

મહત્વનું છે કે, ખેડૂત આંદોલનકારીઓ તેની માંગ પર મક્કમ જણાઇ રહ્યા છે અને આગળ પણ વધુ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. તેઓ ઇચ્છે છે કે સરકાર દરેક પ્રકારની ખરીદીમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીની બાયંધરી આપે.

(સંકેત)