Site icon Revoi.in

કાશ્મીરમાં આતંકીઓના નિશાન પર લઘુમતીઓ, 100 લોકોનું બનાવ્યું હિટ લિસ્ટ

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી શાંતિને ડહોળવા માટે હવે આતંકીઓ સક્રિય થયા છે અને અનેક વિસ્તારોમાં હુમલો કરીને લોકોમાં ડર અને દહેશતનો માહોલ બનાવી રહ્યા છે. આતંકીઓએ શ્રીનગરમાં સ્કૂલમાં ઘૂસીને બે શિક્ષકોની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસોમાં સાત નાગરિકોને મોતને ઘાટે ઉતારી દેવામાં આવ્યા છે. કાશ્મીરમાં ફરીથી આતંકીઓની સક્રિયતા વધી છે. હવે આતંકીઓ ખાસ કરીને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યાં છે. આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હવે એક્શનમાં આવ્યા છે.

શ્રીનગરમાં બે શિક્ષકોની કરપીણ હત્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અજીત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ ગુપ્તચર એજન્સીઓએ ઇનપુટ આપ્યા છે કે, આતંકીઓએ શ્રીનગરમાં 100 લોકોનું હિટ લિસ્ટ બનાવ્યું છે. આતંકીઓ ઇરાદાપૂર્વક લઘુમતીને નિશાન બનાવીને તેઓને કાશ્મીર છોડવા માટે મજબૂર કરી રહ્યા છે.

નોંધનીય છે કે, હવે આતંકીઓ કેટલાક ચોક્કસ હુમલાઓ કરીને પોતાના બદઇરાદાઓને અંજામ આપી રહ્યા છે. આતંકીઓના વધતા હુમલાથી હવે લોકોમાં ડર અને દહેશત જોવા મળી રહી છે. તે ઉપરાંત આતંકીઓ જમ્મૂ કાશ્મીરને ડહોળવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છે.