Site icon Revoi.in

મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું 12 સપ્ટેમ્બરે થશે આયોજન, આ તારીખથી થઇ શકશે અરજી

Social Share

નવી દિલ્હી: નીટનું આયોજન 12 સપ્ટેમ્બરના રોજ થશે. તે માટે વિદ્યાર્થીઓ મંગળવાર (13 જુલાઇ) સાંજે 5 કલાકથી ntaneet.nic.in પર જઇને અરજી કરી શકશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી છે. અગાઉ નીટનું આયોજન 1 ઑગસ્ટે થવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે મેડિકલ પ્રવેશ પરીક્ષા અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેન બંનેનો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો છે.

પરીક્ષાઓની તારીખ અંગે જાહેરાત દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે 198 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા માટે બધા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ફેસ માસ્ક આપવામાં આવશે. તેની એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, પ્રોપર સેનેટાઇઝેશન અને સામાજીક અંતર પ્રમાણે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે.

નોંધનીય છે કે,  JEE Main પરીક્ષાનો ત્રીજો તબક્કો 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. તેવી જ રીતે, JEE Main ની ચોથા તબક્કાની પરીક્ષાઓ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.