- ઉનાળામાં તમારા માથાને ઠંડક આપશે એસી હેલ્મેટ
- IIT મદ્રાસના વિદ્યાર્થીએ બનાવ્યું ખાસ ગેજેટ
- આ ગેજેટ હેલ્મેટને 360 ડિગ્રીમાં પણ ઠંડક આપે છે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે ઉનાળો ચાલુ થઇ ગયો છે અને કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. થોડા દિવસોમાં તાપમાનનો પારો 45-48 ડિગ્રી સુધી પહોંચી જશે. ગરમીમાં ખાસ કરીને બાઇક ચલાવતા ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. આ વર્ષે કોરોનાને કારણે માસ્ક ફરજીયાત છે ત્યારે માસ્ક સાથે હેલમેટ પહેરવાથી ગરમીમાં પરસેવો ખૂબજ થાય છે. આ વચ્ચે હવે બાઇકચાલકોને ગરમીથી બચાવવા માટે એક વિશેષ ગેજેટ નિર્મિત કરાયું છે. આ ગેજેટને હેલ્મેટમાં જોડી દેવાથી હેલ્મેટનું તાપમાન 10-16 ડિગ્રી ઓછું થઇ જશે.
ગરમીમાં પણ માથાને ઠંડુ રાખતું આ હેલ્મેટ મદ્રાસ IITમાંથી પાસ થયેલા પી.કે. સુંદરરાજને બનાવ્યું છે. આ હેલ્મેટ એસી જેવી ઠંડક આપે છે.
કર્ણાટકના બેંગ્લુરુના નિવાસી સુંદરરાજને IIT મદ્રાસમાંથી સ્નાતક કર્યુ છે. સ્નાતક થયા બાદ તેમના મનમાં કંઇક કરવાની તમન્ના જાગી હતી. આવા આઇડિયા સાથે તેમના મનમાં એક આઇડિયા આવ્યો અને તેમણે પોતાની ટીમ સાથે વર્ષ 2017ના મે મહિનામાં પ્રોટોટાઇપ તૈયાર કરવાની શરૂઆત કરી. 50 પ્રોટોટાઇપ બનાવ્યા બાદ તેમને સફળતા હાંસલ થઇ અને એસી હેલ્મેટ તૈયાર થઇ ગયું.
આ ગેજેટની વિશેષતા એ છે કે તે હેલ્મેટને 360 ડિગ્રીમાં પણ ઠંડક આપે છે. આ ગેજેટને USBથી ચાર્જ પણ કરી શકાય છે. આ ગેજેટની બેટરી 10 કલાક સુધી કામ કરે છે, જે હેલ્મેટને એકદમ ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે.
જો તમે પણ તે ખરીદવા માંગતા હોવ તો, તમે BluArmor ગેજેટ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી મળી શકે છે. તેની કિંમત ફક્ત 2200 રૂપિયા છે. સુંદરરાજનના આ ગેજેટની ભારત ઉપરાંત થાઇલેન્ડ, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, કુવૈત, સાઉદી અરબમાં પણ માંગ છે.
(સંકેત)