Site icon Revoi.in

પોઝિટિવ ન્યૂઝ: બ્રિટને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ રસીના ઉપયોગને આપી લીલી ઝંડી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. બ્રિટને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસમાં બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીનો ડોઝ મળવાનો શરૂ થઇ જશે. બ્રિટનની મંજૂરી બાદ હવે ભારતમાં પણ આશા વધી છે. એનું કારણ એ છે કે ભારતમાં રસીને વપરાશમાં લેવા માટે મંજૂરી લેવાની હરોળમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સીન સૌથી આગળ છે.

આ અંગે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી તરફથી Oxford University/AstraZeneca’s COVID-19 vaccineના ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણને આજે સ્વીકારી લીધી છે. અત્રે જણાવવાનું કે, બ્રિટને સૌથી પહેલા ફાઇઝરની કોરોના વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યારસુધી અંદાજે 7 લાખથી વધુ લોકોને ફાઇઝર રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ વચ્ચે હવે ઓક્સફોર્ડની કોરોના રસીને પણ બ્રિટને મંજૂરી આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે ઓક્સફોર્ડની રસી નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાને બ્રિટને 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેનાથી 50 મિલિયન લોકોને રસી મૂકવામાં આવશે. ભારતમાં પણ આગામી સપ્તાહ સુધીમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે. ભારતમાં આ વેક્સીનને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા સંયુક્તપણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા બનાવી રહી છે.

નોંધનીય છે કે એસઆઇઆઇના સીઇઓ આદર પૂનાવાલાએ કહ્યું કે કોવિશિલ્ડના 4-5 કરોડ ડોઝને સ્ટોર કરાયા છે. એકવાર જ્યારે મંજૂરી મળી જશે તો સરકારે નક્કી કરવાનું રહેશે કે તેઓ કેટલી વેક્સીન લઇ શકે છે અને તે પણ કેટલી ઝડપથી.

(સંકેત)