Site icon Revoi.in

દિલ્હીમાં અનલોક 3 હેઠળ બજારો-દુકાનો ખોલવાની મંજૂરી મળી, જાણો શું ખુલ્લું અને શું બંધ રહેશે

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે કોરોના મહામારીની બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે ત્યારે હવે દિલ્હીમાં આગામી 14 જૂનથી અનલોક 3 હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અનેક આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપી છે. નવી માર્ગદર્શિકા અનુસાર દુકાનો સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તે ઉપરાંત દિલ્હીના સાપ્તાહિક બજારો પણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિશામાં સરકારે એક ઝોનમાં 1 દિવસમાં એક જ સાપ્તાહિક બજારને ખોલવાની મંજૂરી આપી છે.

દિલ્હીના વ્યાવસાયિક વર્ગની વાત કરીએ તો તમામે પોતાની દૂકાનોમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન અનિવાર્યપણે કરવાનું રહેશે. જ્યારે રેસ્ટોરાંને 50 ટકા બેઠક ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અપાઇ છે. લગ્નોમાં 20 લોકોને જ મંજૂરી રહે. લગ્ન સમારંભ માત્ર ઘર કે કોર્ટમાં જ યોજી શકાશે. દિલ્હીમાં મેટ્રો ટ્રેન અને બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. ધાર્મિક સ્થળો ખુલશે પરંતુ દર્શનનો લાભ નહીં મળે.

અનલોક હેઠળ દિલ્હીમાં પહેલાની જેમ જ તમામ શાળાઓ, કોચિંગ સેન્ટર સહિત દરેક પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. એ જ રીતે સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ ક્લબ કોમ્પ્લેક્ષમાં ખેલ જેવી ગતિવિધિઓ પર રોક રહેશે. તે ઉપરાંત એન્ટરટેઇનમેન્ટ પાર્ક્સ અને એસેમ્બલી હોલ પણ બંધ રહેશે.

Exit mobile version