Site icon Revoi.in

પીએમ મોદીનો યુએસ પ્રવાસ: જાણો પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

Social Share

નવી દિલ્હી: ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના થશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ જાણકારી આપી છે. તેમણે પીએમ મોદીના પ્રવાસ કાર્યક્રમ અંગે કહ્યું હતું કે, પીએમ મોદી 22 સપ્ટેમ્બરે સવારે અમેરિકા માટે રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે.

પીએમ મોદી કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આયોજીત કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, 24 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન ભારત-અમેરિકા સંબંધોની સમીક્ષા કરશે. બંને નેતા વેપાર અને રોકાણ સંબંધો, રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા, સ્વચ્છ ઉર્જા ભાગીદારીને વધારવા વિશે ચર્ચા કરી છે.

વિદેશ સચિવ શ્રૃંગલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાનમાં હાલમાં થયેલા મોટા ફેરફાર પછી વર્તમાન ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે. તેમણે જણાવ્યું કે ભારત કટ્ટરપંથ, ઉગ્રવાદ, સરહદ પાર આતંકવાદ અને વૈશ્વિક આતંકી નેટવર્કને ખતમ કરવાની આવશ્યકતા પર ચર્ચા કરશે.

બંને દેશો વચ્ચે યોજાનાર દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદી અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. તેમણે કહ્યું કે ઉપ રાષ્ટ્રપતિ હેરિસ સાથે પીએમ મોદીની આ પ્રથમ ઔપચારિક વાતચીત હશે. આ બેઠક 23 સપ્ટેમ્બરના રોજ થશે.

પીએમ મોદી આ ઉપરાંત અમેરિકામાં બિઝનેસ મિટિંગ્સ પણ કરશે. પીએમ અમેરિકી CEO સાથે પણ બેઠક કરશે. જ્યારે 24 સપ્ટેમ્બરે પીએમ મોદી ક્વાડ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ સામેલ હશે. પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરે સાંજે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે જ્યાં 25 સપ્ટેમ્બરે તે UN મહાસભાને સંબોધિત કરશે.