Site icon Revoi.in

પંજાબ સરકારની જનતાને ભેટ, 36000 કર્મચારીઓને નિયમિત કર્યા, લઘુત્તમ ભથ્થામાં પણ વધારાને મંજૂરી

Social Share

નવી દિલ્હી: પંજાબ સરકાર હવે જનતા પર મહેરબાન થઇ રહી છે. પંજાબ સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં 36,000 કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ, એડહોક, દૈનિક વેતન અને વિવિધ સરકારી વિભાગોમાં હંગામી ધોરણે કામ કરતા હતા. પંજાબના CM ચરણજીત સિંહની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક દરમિયાન પંજાબ પ્રોટેક્શન એન્ડ રેગ્યુલરાઈઝેશન ઓફ કોન્ટ્રાક્ટ્યુઅલ એમ્પ્લોઈઝ બિલ-2021ને મંજૂરી આપવામાં આવી હતી.

આ અંગેની જાહેરાત કરતા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, કેબિનેટે એક મોટો નિર્ણય લઇને 36,000 કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓ માટે આ મેક મોટી ભેટ છે. આ નિર્ણય સાથે 10 વર્ષથી વધુ સેવા ધરાવતા લગભગ 36,000 કર્મચારીઓની સેવાઓ નિયમિત કરવામાં આવશે.

બીજી તરફ કેબિનેટે 1 માર્ચ, 2020થી લઘુત્તમ વેતનમાં પણ વધારાને હવે મંજૂરી આપી દીધી છે. ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે લઘુત્તમ વેતનમાં સુધારો 1 માર્ચ, 2020ના રોજ થવાનો હતો. તેમાં 415.89 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારમે તે હવે 8776.83 રૂપિયાથી વધીને 9192.72 રૂપિયા થઇ ગયો છે.

તે ઉપરાંત કેબિનેટે પંજાબ કોન્ટ્રાક્ટ એગ્રીકલ્ચર એક્ટ, 2013ને રદ્દ કરવાનો નિર્ણય કર્યો. ચન્ની અનુસાર તેમની સરકાર કૃષિ કાયદાઓ પર કેન્દ્રની દરખાસ્ત અને BSFના અધિકાર ક્ષેત્રને વધારવા માટે કેન્દ્રની સૂચના સંબંધિત બિલ પણ લાવશે.