Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાની સપ્લાય ચેન અને જાપાનના ફંડિગથી અમેરિકાની રસીનું નિર્માણ કરશે ભારત

Social Share

નવી દિલ્હી: 4 દેશોના ક્વાડ ગ્રૂપનું પહેલું શિખર સંમેલન યોજાયું હતું. શિખર સંમેલનમાં ગઠબંધનના નેતાઓએ શુક્રવારે નિર્ણય કર્યો હતો કે ક્વાડ રસી પહેલ અંતર્ગત હિંદ પ્રશાંત વિસ્તારમાં કોવિડ 19 રસીની આપૂર્તિ માટે ઉત્પાદન ક્ષમતા વધારવાને લઇને ભારતમાં રોકાણ કરવામાં આવશે.

આ પગલાંને રસી પૂરી પાડવાના ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ટક્કર આપવાના પ્રયાસની રીતે જોવાઇ રહ્યું છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પીએમ યોશિહિદે સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની સાથે 4 દેશોના ગ્રૂપના નેતાઓએ ઑનલાઇન શિખર સંમેલનમાં ભાગ લીધો. પીએમ મોદીએ કહ્યું કે કોવિડ 19 વિરુદ્વની લડતમાં આપણે એકજૂથ છીએ. આપણે સુરક્ષીત કોવિડ 19ની પૂર્તિ માટે મહત્વપૂર્ણ ક્વાડ ભાગીદારી શરૂ કરી છે. હિંદ પ્રશાંત વિસ્તારમાં દેશોની મદદ માટે ભારતની રસીની ક્ષમતાને જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયાના સહયોગથી વિસ્તારિત કરાશે.

શિખર બેઠક દરમિયાન વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે ભારતની નિર્માણ ક્ષમતાનો ઉપયોગ અમેરિકન રસી વિકસાવવા માટે કરવામાં આવશે. તેમણે કહ્યું કે ક્વાડ રસી પહેલ સૌથી વધારે આવશ્યક અને મૂલ્યવાન છે.

આજના સંદર્ભમાં આ સૌથી મહત્વપૂર્ણ પહેલ છે. અમે હિંદ પ્રશાંત વિસ્તારમાં દેશોમાં નિકાસ માટે ભારતમાં ભારે રોકાણ પર ચર્ચા કરી રહ્યા છીએ. વર્ષ 2020ન અંત સુધી એક અરબ ડોઝનું ઉત્પાદન કરવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ક્વાડ રાષ્ટ્રોએ પોતાના નાણાં સંસાધનો, વિનિર્માણ ક્ષમતાઓ અને લોજિસ્ટિક ક્ષમતાઓને શેર કરવાની યોજના પર સહમતિ વ્યક્ત કરી છે.

શ્રૃંગલાએ જણાવ્યું કે વધારે ક્ષમતાના નિર્માણ માટે નાણા ભંડોળ અમેરિકા અને જાપાનથી આવશે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામાન તથા સપ્લાય ચેનને લઈને યોગદાન આપશે. ઓસ્ટ્રેલિયા એ દેશોમાં નાણાકીય મદદ કરશે જેમને રસી મળશે.

(સંકેત)