Site icon Revoi.in

ટ્રેનોમાં યાત્રીઓને હવે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ અને ઓશીકા મળશે, મુસાફરી વધુ આરામદાયક થશે

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવે સમયાંતરે પોતાના યાત્રીઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે નવી નવી સવલતો પૂરી પાડતી રહે છે. હવે કોવિડના કેસમાં ઘટાડો થતા રેલવેએ ફરી કેટલીક સુવિધા શરૂ કરી છે. રેલવેએ ટ્રેનમાં મુસાફરોને ડિસ્પોઝેબલ બેડરોલ કિટ આપવા ઉપરાંત પેકેજ્ડ ફૂડ આઇટમ્સની સુવિધા ફરી શરૂ કરવાનો પણ નિર્ણય લીધો હતો.

હવે રેલવે ડિસ્પોઝેબલ બ્લેન્કેટ તેમજ ઓશીકા માટે મુસાફરો પાસેથી ચાર્જની વસૂલાત કરશે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને ડિસ્પોઝેબલ બેડરોલ કિટ આપવામાં આવશે. મુંબઇ-દિલ્હી ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ, ગોલ્ડન ટેમ્પલ મેઇલ અને પશ્વિમ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં આ સવલતો પૂરી પડાશે. એસી કોચમાં મુસાફરી કરતા યાત્રીઓને ડિસ્પોઝેબલ બેડરોલ પૂરા પડાશે.

ઝોન અનુસાર ડિસ્પોઝેબલ બેડલોર કિટની કિંમત બદલાશે. કેટલાક ઝોનમાં કીટમાં ટૂથપેસ્ટ તેમજ સેનિટાઇઝર પણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે કેટલાકમાં માત્ર ધાબળા અને ચાદર જ અપાય છે.

રેલવેએ અમુક રેલવે સ્ટેશનો પર બેડરોલ માટે કિઓસ્ક લગાવ્યા છે. જ્યાં લોકો તેમની જરૂરિયાતો મુજબ ડિસ્પોઝેબલ શીટ, ઓશીકા અને ધાબળો ખરીદી શકે છે. આ ઉપરાંત રેલવેએ દાનાપુર ડિવિઝનના કેટલાક સ્ટેશનો પર ડિસ્પોઝેબલ લિનન કિઓસ્ક ઉભા કર્યા છે.

ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટ માટે મુસાફરોએ 300 રૂપિયાની અલગ ફી ચૂકવવી પડશે. જ્યારે ટૂથપેસ્ટ, માસ્ક અને ધાબળોના બેગ માટે 150 રૂપિયા ચૂકવવા પડશે.

નોંધનીય છે કે,  ટ્રેનમાં ત્રણ પ્રકારની ડિસ્પોઝેબલ બેડરોલ કિટ પુરી પાડવામાં આવશે. એક કિટમાં બ્લેન્કેટ, ચાદર, ઓશીકું અને તેનું કવર, ડિસ્પોઝેબલ બેગ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, હેર ઓઇલ, કાંસકો, સેનિટિઝર પાઉચ, પેપર સોપ અને ટિશ્યુ પેપર હશે. આ કિટની કિંમત 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Exit mobile version