Site icon Revoi.in

પંજાબમાં હુમલાની આશંકા વચ્ચે ભારતે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત, લક્ષ્યને હવામાં જ ધ્વસ્ત કરવા માટે છે સક્ષમ

Social Share

નવી દિલ્હી: એક તરફ પંજાબમાં આતંકી હુમલાની આશંકા છે અને બીજી તરફ ભારતે હવે પાકિસ્તાન સરહદે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતી કરી છે. આ ડિફેન્સ સિસ્ટમથી દુશ્મન વાળ પણ વાંકો નહીં કરી શકે.

પંજાબમાં હવાઇ હુમલાની ભીતિને પગલે ભારતીય સેનાએ પંજાબમાં રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી છે.

ચીન અને પાકિસ્તાન બંને તરફથી હવાઇ હુમલાના ખતરાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં રશિયન મિસાઇલ સિસ્ટમ પાર્ટ્સ ભારત પહોંચવાનું શરૂ થયું હતું અને થોડા સપ્તાહ સુધીમાં સમગ્ર યુનિટ સંપૂર્ણપણે કાર્યરત થઇ ગયું હતું.

ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમના 5 સ્ક્વોડ્રન 35000 કરોડ રૂપિયામાં પ્રાપ્ત થયા હતા. તે હવામાં 400 કિલોમીટર ઉપરના લક્ષ્યને પણ ભેદી શકવા માટે સક્ષમ છે. આ વર્ષના અંત સુધીમાં તેની ડિલિવરી પૂર્ણ કરવામાં આવી છે.

પહેલા સ્ક્વોડ્રનની તૈનાતી બાદ હવે વાયુસેના પૂર્વોત્તર સીમા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને દેશભરમાં સૈન્ય કર્મીઓને પણ તેને લઇને તાલીમ પૂરી પાડવામાં આવશે.

આપને જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓએ રશિયામાં આ સિસ્ટમ માટે તાલીમ મેળવેલી છે. એર ડિફેન્સ સિસ્ટમ દુશ્મન દેશોના પ્લેન અને ક્રૂઝ મિસાઇલોને હવામાં જ 400 કિમી દૂરથી ધ્વસ્ત કરી દેવા માટે સક્ષમ છે.

નોંધનીય છે કે,  રશિયા પાસેથી મળનારી એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમથી ચીન પરેશાન છે અને સતત ભારતની સંરક્ષણ તૈયારીઓની માહિતી પ્રાપ્ત કરવામાં જોડાયેલુ છે. સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ભારતની સંરક્ષણ તૈયારીઓની માહિતી મેળવવા માટે ચીનના હેકર્સ દેશના સંરક્ષણ ક્ષેત્ર પર સાઈબર એટેક કરી રહ્યાં છે.