Site icon Revoi.in

સુનંદા પુષ્કર મોત કેસમાં શશિ થરૂરને મોટી રાહત, કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર માટે રાહતના સમાચાર છે. સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મોત સંલગ્ન તમામ આરોપોમાંથી શશિ થરૂરને મુક્ત કર્યા છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, 7.5 વર્ષથી આ હેરાનગતિ અને દર્દમાંથી પસાર થઇ રહ્યો હતો.

17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં સુનંદા પુષ્કરનું મોત થયુ હતું. આ મામલે શશિ થરૂર આરોપી હતા અને દિલ્હી પોલીસે તેમના વિરુદ્વ કેસ દાખલ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે શશિ થરૂર વિરુદ્વ કલમ 306 (આત્મહત્યા અને ઉકસાવવું), 498એ (ક્રુરતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

સુનંદા પુષ્કરના મોત મામલે 29 સપ્ટેમ્બર 2014ના રોજ એમ્સ મેડિકલ બોર્ડે મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. રિપોર્ટમાં કહેવાયું હતું કે સુનંદા પુષ્કરનું મોત ઝેરના કારણે થયું છે. બોર્ડે કહ્યું હતું કે આ એવું રસાયણ છે કે જે પેટમાં જાય કે લોહીમાં ભળ્યા બાદ ઝેર બની જાય છે.

સુનંદા પુષ્કરના મોત કેસમાં પાકિસ્તાની પત્રકાર મેહર તરારનું નામ પણ સામે આવ્યું હતું. અત્રે જણાવવાનું કે પોતાના મોતના થોડા દિવસ પહેલા સુનંદા પુષ્કરે મેહર તરાર પર શશિ થરૂરને પ્રેમ જાળમાં ફસાવવાનો આરોપ  લગાવ્યો હતો અને બંને વચ્ચેની અનેક પર્સનલ ટાઈપની ટ્વીટ સાર્વજનિક કરી હતી.