Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે રચેલી કમિટીએ કૃષિ કાયદાને લઇને રિપોર્ટ સોંપ્યો

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે ગઠિત કરેલી ત્રણ સભ્યોની સમિતિએ સીલબંધ કવરમાં તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધો છે.

સુપ્રીમની કમિટીએ ખેડૂત આંદોલનનો નક્કર ઉકેલ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. સુપ્રીમના આદેશ અનુસાર કમિટીએ સુપ્રીમ કોર્ટમાં તેનો રિપોર્ટ જમા કરાવ્યો છે. જે તે કમિટીએ રિપોર્ટની વધારે વિગતો આપવાની ના પાડી છે.

સુપ્રીમની કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા માટે અંદાજે 85 ખેડૂત સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને તેના સૂચનો લેવામાં આવ્યા છે. કમિટીએ 19 માર્ચે આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો છે પરંતુ તેની જાહેરાત હવે કરાઇ છે. રિપોર્ટની બાકી વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે.

કમિટીના સભ્ય અને કૃષિ અર્થશાસ્ત્રી અનિલ ઘનવતે જણાવ્યું કે, આ રિપોર્ટ 19 માર્ચે રજૂ કરી દેવાયો છે. જો કે તેમણે રિપોર્ટની વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે આ એક ગુપ્ત પ્રક્રિયા છે અને કેસ કોર્ટની વિચારણા હેઠળ હોવાથી હાલ પૂરતી તેની વિગતો જાહેર કરવી શક્ય નથી.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 11 જાન્યુઆરીએ આ ત્રણ કૃષિ કાયદા પર સ્ટે મૂકીને ત્રણ સભ્યોની કમિટીનું ગઠન કર્યું હતું. લગભગ 2 મહિના પછી આ કમિટીએ તેનો રિપોર્ટ જમા કરાવ્યો છે. ખેડૂત આંદોલનોએ તો સુપ્રીમ કમિટીનો જોરદાર વિરોધ કર્યો હતો.

(સંકેત)