Site icon Revoi.in

સેનામાં મહિલાઓના સ્થાયી કમિશનને લઇને SCનો ચુકાદો, યોગ્ય મહિલા અધિકારીઓને બે મહિનામાં પદભાર આપી દેવાના આદેશ

Social Share

નવી દિલ્હી: સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનને લઇને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

સેનામાં મહિલાઓની સ્થાયી કમિશન મુદ્દે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. મહિલાઓ માટે મેડિકલ ફિટનેસની આવશ્યકતાને મનમાની અને તર્કહીન ગણાવી છે. કોર્ટે કહ્યું કે આપણે સમજવું પડશે કે આપણાં સમાજની સંરચના પુરુષો દ્વારા પુરુષો માટે બનાવવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જો આ બદલવામાં નહીં આવે તો મહિલાઓને સમાન અધિકાર આપી નહીં શકાય.

સુપ્રીમે વધુમાં ચુકાદો આપતા જણાવ્યું કે મેડિકલ ફિટનેસ માનદંડ મહિલા અધિકારીઓ સામે ભેદભાવ કરે છે. અદાલતે કહ્યું કે મૂલ્યાંકનની પેટર્નના કારણે શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓને આર્થિક અને માનસિક નુકસાન થાય છે.

કોર્ટે મહિલા અધિકારીઓને સેનામાં સ્થાયી કમિશન આપવાની પદ્ધતિને ભેદભાવપૂર્ણ માની છે. કોર્ટે કહ્યું કે આર્મીનો આ તરીકો મહિલાઓને સ્થાયી કમિશન આપી નહીં શકે. કોર્ટે સ્થાયી કમિશન માટે યોગ્ય મહિલા અધિકારીઓને બે મહિનામાં પદભાર આપી દેવાના આદેશ આપ્યા છે.

કોર્ટે સેનાને આદેશ આપ્યો છે કે એક મહિનાની અંદર મહિલા અધિયકારીઓને સ્થાયી કમિશન આપવા માટે વિચાર કરવામા આવે અને નિયત પ્રક્રિયાનું પાલન કરીને અધિકારીઓને સ્થાયી કમિશન આપવામાં આવે.

નોંધનીય છે કે આ પહેલા ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીની હાઇકોર્ટે પણ મહિલાઓને સ્થાયી કમિશન આપવા માટે આદેશ આપ્યો હતો પરંતુ 284માંથી માત્ર 161 મહિલાઓને સ્થાયી કમિશન આપવામાં આવ્યું છે.

(સંકેત)