Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે ફેસબુકને આપ્યો આંચકો, દિલ્હી વિધાનસભામાં વાઇસ પ્રેસિડેન્ટે હાજર થવું પડશે

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફેસબૂક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મોહન વિરુદ્વ દિલ્હી વિધાનસભા સમિતિની કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં તેમને દિલ્હી હિંસા સંદર્ભે જવાબ આપવા બોલાવાયા હતા. ફેસબૂક અધિકારીએ હવે વિધાનસભા સમિતિ સમક્ષ હાજર રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે ફેસબૂક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજીત મોહન દ્વારા દાખલ કરેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.

ચુકાદો જાહેર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં સરહદો પાર લોકો પર પ્રભાવ પાડવાની શક્તિ અને સંભાવના છે અને આ પ્લેટફોર્મ પર ચર્ચાઓ તેમજ પોસ્ટ્સ સમાજમાં ધ્રુવીકરણની સંભાવના ધરાવે છે. કારણ કે સમાજના ઘણા સભ્યો પાસે કોઇપણ સંદેશને ચકાસવા માટે કોઇ સાધન નથી.

કોર્ટે વધુમાં કહ્યું કે સમિતિના પ્રશ્નોના જવાબ ન આપવાના વિકલ્પની તપાસ કરવી પડશે, જ્યારે અરજદારો દ્વારા દાખલ કરેલી અરજી અકારણ છે કારણ કે આમા સમન્સ સિવાય કંઈ થયું નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે વિધાનસભાની સમિતિ કોઈ તપાસ કરી શકે નહીં. તેમજ જો સમિતિ તેના અધિકારની બહાર નિર્ણય આપે છે, તો ફેસબુક અધિકારીઓ હાજર થવાનો ઇનકાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં અજિત મોહન અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપ કરવા માટે સમિતિએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી. જ્યારે અદાલતે કહ્યું હતું કે તેનો 23 સપ્ટેમ્બરનો હુકમ આગામી આદેશ સુધી ચાલુ રહેશે.