Site icon Revoi.in

જીવાણુઓનો ઇરાદાપૂર્વક હથિયાર તરીકે ઉપયોગ ચિંતાનો વિષય: NSA અજીત ડોભાલ

Social Share

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રીય ક્ષમતા, સુરક્ષા, સોશિયલ મીડિયાનું વધતુ પ્રભુત્વ અને ક્લાઇમેટ ચેન્જ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે, હથિયારો તરીકે ખતરનાક જીવાણુઓનો ઉપયોગ એ એક ગંભીર ચિંતાનો વિષય કહી શકાય.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ગંભીર મુદ્દાને લઇને એક વ્યાપક રણનીતિ તૈયાર કરવી પડશે. વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની તેમજ જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન આપવાની આવશ્યકતા છે.

યુદ્વના મુદ્દે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, યુદ્વના નવા ક્ષેત્રો હવે પ્રાદેશિક સીમાઓને પાર કરીને નાગરિકો સુધી પહોંચવા લાગ્યા છે. ઇરાદપૂર્વક ખતરનાક જીવાણુઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ એ ગંભીર ચિંતાનો વિષય છે.

ડોભાલે જળવાયુ પરિવર્તન મુદ્દા પર ભાર આપતા કહ્યું હતું કે, આપત્તિ અને રોગચાળાનો ખતરો કોઇપણ મર્યાદામાં મર્યાદિત નથી અને તેનો એકલા હાથે સામનો કરી શકાતો નથી અને તેનાથી જે નુકસાન થઇ રહ્યું છે તે ઘટે તે આવશ્યક છે.

તેઓએ ઉમેર્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ પણ એક ખતરો છે જેની અનેક અણધારી અસરો જોવા મળી શકે છે. તેનાથી સંસાધનોની ઉપલબ્ધતાને અસર થાય છે, જે દિવસેને દિવસે ઘટી રહી છે અને તે સ્પર્ધાને બદલે સંઘર્ષ તરફ દોરી શકે છે.

2030 સુધીમાં ભારતમાં 600 મિલિયન લોકો શહેરી વિસ્તારોમાં રહેવાની અપેક્ષા છે.

ડોભાલે કહ્યું કે વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિથી જોખમોને રોકવામાં મદદ મળશે. વ્યૂહાત્મક રાષ્ટ્રીય ભંડારની સાચવણી, ઉપલબ્ધતા સુનિશ્વિત કરવી, જટિલ સાધનોનો સરળ પુરવઠો અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવી એ રાષ્ટ્રીય સુરક્ષા આયોજનના મહત્વના ઘટકો બની ગયા છે.

(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinews