Site icon Revoi.in

નક્સલવાદની કમર તૂટી: માસ્ટરમાઈન્ડ ગણપતિની નેપાળથી ધરપકડ

Social Share

નવી દિલ્હી, 5 માર્ચ 2026 : ભારતમાંથી નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન નક્સલી હિંસા અને વિચારધારા પાછળના મુખ્ય સૂત્રધાર એટલે કે નક્સલીઓના ‘બ્રેઈન’ ગણાતા ટોચના નેતા ગણપતિની આખરે ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ એક ગુપ્ત ઓપરેશન દ્વારા ગણપતિને નેપાળથી દબોચી લીધો છે. પોલીસની આ મોટી સિદ્ધિથી દેશમાં નક્સલી સંગઠનોને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ગણપતિ લાંબા સમયથી નક્સલી સંગઠનોમાં સર્વોચ્ચ વ્યૂહરચનાકાર તરીકે સક્રિય હતો. નક્સલવાદી હુમલાઓના પ્લાનિંગથી લઈને સંગઠનની વિચારધારાને ફેલાવવા સુધીની તમામ જવાબદારીઓ તેના શિરે હતી. સુરક્ષા દળો છેલ્લા ઘણા સમયથી તેની પાછળ હતા, પરંતુ તે વારંવાર પોતાની લોકેશન બદલીને બચતો આવ્યો હતો. અંતે, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે તેની ધરપકડ શક્ય બની છે. ગણપતિની ધરપકડ બાદ નક્સલી છાવણીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગણપતિ જેવો કદાવર નેતા પકડાઈ જવાથી અન્ય નક્સલીઓનું મનોબળ તૂટી ગયું છે. સમાચાર મળી રહ્યા છે કે, નક્સલીઓની એક બીજી મોટી ટીમ પણ ટૂંક સમયમાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી શકે છે. આ શરણાગતિથી નક્સલી નેટવર્ક વિશે અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. ગણપતિની ધરપકડને સુરક્ષા એજન્સીઓ નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં એક ‘ટર્નિંગ પોઈન્ટ’ માની રહી છે. તેના પકડાઈ જવાથી સંગઠનના ફંડિંગ, સપ્લાય ચેઈન અને ભાવિ હુમલાઓના પ્લાનિંગની વિગતો પોલીસને મળી શકે છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ ગણપતિની પૂછપરછ કરી રહી છે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

Exit mobile version