Site icon Revoi.in

કારગીલ સરહદ ઉપર તૈનાત જવાનોને ગુજરાતમાંથી NCC કેડેટસ 25 હજાર શુભેચ્છા કાર્ડ મોકલશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ NCC ડાયરેકટોરેટ ગુજરાતના NCC કેડેટસની ભારતીય સેનાના જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ ભાવનાની આગવી સંવેદના રૂપે ‘કારગીલના વીરોને ગુજરાતનો આભાર’ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. NCC ડાયરેકટરેટ ગુજરાતના વડા મેજર જનરલ અરવિંદ કપૂરની પ્રેરણાથી ‘‘એક મૈં સો કે લિયે’’ અભિયાન ગુજરાત સ્થાપના દિવસ 1લી મે 2021 શરૂ કરવામાં આવ્યું હતું.  આ અભિયાનના 4 તબક્કાને મળેલી સફળતા અને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ટવીટરના માધ્યમથી 14 લાખ હિટસની સિદ્ધિ માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ પ્રાપ્ત થયેલું છે. આ અભિયાનના પાંચમા તબક્કામાં ગુજરાતના NCC કેડેટસ 25 હજાર શુભેચ્છા કાર્ડ દેશની કારગીલ સરહદે તૈનાત જવાનોને કારગીલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ 26 જુલાઇએ મોકલવાના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવતાં રાજ્યની વધુને વધુ યુવાશક્તિ શાળા-કોલેજોમાં NCCમાં જોડાઇને દેશહિત સર્વોપરિની ભાવના સાથે રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે રાષ્ટ્રસેવા સમર્પણ ભાવ કેળવે તેવું આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શાળા જીવનમાં NCC પ્રવૃત્તિમાં જોડાઇને રાષ્ટ્રભાવના, કર્તવ્ય અને અનુસાશનના મૂલ્યોથી જીવન ઘડતર કરેલું છે. એકતા ઔર અનુશાસન NCCનું સૂત્ર છે અને યુવાઓ NCCમાં જોડાઇને એક બની સંગઠિત થઇ અનુશાસન સાથે રાષ્ટ્રસેવા સમાજ સેવાની પ્રવૃત્તિઓ સુપેરે ઉપાડી શકે છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કપરાકાળમાં NCC છાત્રોએ સમાજસેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખીને રાષ્ટ્ર-રાજ્ય પ્રત્યેનું દાયિત્વ નિભાવ્યું છે. તેમણે ગુજરાતમાં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે, બટાલિયનની સંખ્યામાં પણ ગુજરાતનો ક્રમ દેશમાં આગળ આવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.