Site icon Revoi.in

અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ જરૂરીઃ CM રૂપાણી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં આયોજિત કર્યો હતો. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય અધિકારીઓને આહવાન કર્યુ કે, સુશાસન મોડેલ અને શહેરી વિકાસની ગુજરાતની આગવી પ્રણાલિ પ્રત્યે સૌ નજર માંડીને બેઠા છે.

એટલું જ નહિ, ખાસ કરીને નગરોમાં રોજી-રોટી માટે અન્ય રાજ્યોના લોકો આવીને વસતા હોય છે તે પણ જે-તે નગરની સુખ-સુવિધા, વિકાસના કામોની ગતિ-વ્યાપ જોઇને શહેરો-નગરોના વિકાસ વિશેનું પરસેપ્શન બનાવતા, આકલન કરતા હોય છે. આવા સંજોગોમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ શહેરી-નગર વિકાસની ઊડીને આંખે વળગે તેવી કામગીરી કરવી એ હવેના સમયની માંગ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હવે કુલ વસ્તીના લગભગ પ૦ ટકા વસ્તી નગરો-શહેરોમાં વસે છે ત્યારે અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ થાય તે આપણા સૌની જવાબદારી બને છે. રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની સુદ્રઢ સુવિધા નગરોમાં હોય સાથોસાથ રાજ્યના શહેરોના સર્વગ્રાહી વિકાસને ટોપ પ્રાયોરિટી આપીને સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઓનલાઇન બને, શહેરો સ્માર્ટ અને આધુનિક બને તેમજ લોકોને પોતાના કામો માટે નગરપાલિકાએ આવ્યા વિના ઘરેબેઠા જ ઓનલાઇન સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવવાની આવશ્યકતા અને સમયની માંગ છે.