Site icon Revoi.in

NEET UG 2026 પરીક્ષા રદ: પેપર લીક મામલે NTAનો નિર્ણય, હવે CBI તપાસ કરશે

Social Share

નવી દિલ્હી, 12 મે 2026: મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ પેપર લીક હોવાના પુરાવા મળ્યા બાદ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આ સમગ્ર કૌભાંડની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે.

આ સમગ્ર મામલાની શરૂઆત રાજસ્થાનના સીકરથી થઈ હતી. રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) આ મામલે તપાસ કરી રહી હતી. શરૂઆતમાં એસઓજીએ પેપર લીકની વાત નકારી હતી, પરંતુ ઊંડી તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા પહેલા જે ‘ગેસ પેપર’ વાયરલ થયું હતું, તેમાંથી મોટાભાગના પ્રશ્નો મુખ્ય પરીક્ષામાં પૂછાયા હતા.

એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે કે વાયરલ થયેલા પેપરમાંથી 120 થી 150 જેટલા પ્રશ્નો મુખ્ય પરીક્ષાના પેપર સાથે હૂબહૂ મળતા આવતા હતા. જેમાં કેમેસ્ટ્રીના 30 અને બાયોલોજીના અંદાજે 90 પ્રશ્નોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો મેચ થતા પેપર લીક થયાની પુષ્ટિ થઈ હતી, જેના પગલે એનટીએએ કડક પગલું ભરવું પડ્યું છે.

પરીક્ષા રદ કરતા એનટીએએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓ અને વાલીઓને પડનારી મુશ્કેલી બદલ અમને ખેદ છે, પરંતુ પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના વિશ્વાસને જાળવી રાખવા માટે આ નિર્ણય અનિવાર્ય હતો. અમે સીબીાઈ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું.”

જે વિદ્યાર્થીઓએ 3 મેના રોજ પરીક્ષા આપી હતી, તેમના માટે રાહતના સમાચાર એ છે કે, વિદ્યાર્થીઓએ ફરીથી ફોર્મ ભરવાની કે નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. બીજી વખત લેવાનારી પરીક્ષા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. અગાઉ જમા કરાવેલી ફી એનટીએ દ્વારા પરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ અગાઉ જે કેન્દ્રો પસંદ કર્યા હતા, તે જ માન્ય રહેશે.

એનટીએએ જણાવ્યું છે કે ફરીથી લેવાનારી નીટ યુજી 2026 પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ તમિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિને સમાનત ધર્મને લઈને ફરીથી ઓક્યુ ઝેર

Exit mobile version